રિપોર્ટ@મહેસાણા: બંસી પહાડના લાલ પથ્થરમાંથી બહુચરાજી મંદિર બનશે, ભવ્યતા જોઇ ભક્તો થશે ભાવવિભોર

અંબાજી જેવો આકાર, સોમનાથ-દ્વારકા-પાવાગઢની જેમ થશે બહુચરાજીનો બહુરંગી વિકાસ

 
રિપોર્ટ@મહેસાણા: બંસી પહાડના લાલ પથ્થરમાંથી બહુચરાજી મંદિર બનશે,  ભવ્યતા જોઇ ભક્તો થશે ભાવવિભોર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનું પુન:નિર્માણ થવા જઇ રહ્યું છે. બંસી પહાડના લાલ પથ્થરમાંથી બનશે મા બહુચરાજીનું ભવ્યાતિભવ્ય મંદિર. અંબાજી જેવો આકાર, સોમનાથ-દ્વારકા-પાવાગઢની જેમ જ થશે બહુચરાજીનો બહુરંગી વિકાસ. 76.51 કરોડના ખર્ચે જ્યારે 200 વર્ષ પૌરાણિક બહુચરાજી મંદિરની કાયાપલટ થશે ત્યારે મંદિરની ભવ્યતા જોઇ ભક્તો પણ થઇ જશે ભાવવિભોર.

23 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બહુચરાજી મંદિરના પુન:નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 39 તીર્થોના જળ અને સાત સ્તરની માટીથી ભૂમિના શુદ્ધિકરણની વિધિ કરાઇ હતી. લગભગ 76.51 કરોડના ખર્ચે સમગ્ર મંદિરનું નવેસરથી નિર્માણ કરવાની સરકારની યોજના છે. જેનું યુદ્ધસ્તરે કામ શરૂ થઇ ગયું છે. સંવત 1835થી 1839 દરમિયાન બંધાયેલા આ મંદિરને વચ્ચેના ગાળામાં રિનોવેટ કરાયું હતું. જેનું કામ વર્ષ 2015માં પૂર્ણ કરાયું હતું. જેમાં શિખરની ઊંચાઇ ઘટાડી દેતાં સતત વિવાદ ચાલતો હતો. જેને લઇને સરકારે મંદિરના પુન:નિર્માણનો વિચાર કર્યો હતો.

ગુજરાત રાજ્ય સરકારે આ મંદિરના પુન:નિર્માણના પ્રથમ તબક્કા માટે રુપિયા 76.51 કરોડ ફાળવ્યા છે. હાલના મંદિરનું રિનોવેશન કરીને શિખરની ઊંચાઈ 86 ફિટ 1 ઇંચ કરવાની ગણતરી છે. પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કાનાં કામો શરૂ કરવામાં આવશે. જેમાં મંદિર સિવાય આસપાસનું પરિસર પણ અત્યાધુનિક ઢબે વિકસાવવામાં આવશે. પાવાગઢ, અંબાજી, સોમનાથ અને દ્વારકાની જેમ જ આ મંદિરનો પણ ભવ્ય વિકાસ કરવામાં આવશે.

મંદિરના નવનિમાર્ણની ડિઝાઇન પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ આર્કિટેક્ટ અને અર્થ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાઇ છે. જેમાં બંસી પહાડ પરના લાલ પથ્થરમાંથી તૈયાર થનાર મુખ્ય મંદિર સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબનું હશે. મંદિરના તમામ સ્તંભ અને તોરણ બહારની બાજુનું તમામ એલીવેશન મંદિરના બંને સામરણ મુખ્ય દ્વાર વગેરે કલાત્મક કોતરણીવાળા હશે. 86.1 ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર ગુંઠમંડપ અને નૃત્ય મંડપના બે સામરણ સાથે નવેસરથી નિર્માણ પામશે સાથે જ મંદિર પરિષદનો પણ વિકાસ કરાશે.

મંદિરના પુન:નિર્માણ સાથે આજુબાજુના વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. જેને લઇને અત્યારથી જ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા 75 મીટર અને 150 મીટરની ત્રિજ્યામાં આવતી મિલકતોનો સર્વે કરાયો છે. સૂત્રો મુજબ 75 મીટરની ત્રિજ્યામાં મંદિર અને સરકારી માલિકીની 44 તેમજ ખાનગી માલિકીની 51 અને 6 ધર્મશાળા મળી કુલ 101 મિલકતો આવે છે. જ્યારે 150 મીટરની ત્રિજ્યામાં મંદિર અને સરકારી માલિકીની 95 મિલકતો, જ્યારે ખાનગી માલિકી અને 6 ધર્મશાળા મળી 53 સહિત કુલ 148 મિલકતો આવે છે. હવે મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં આવેલી મિલકતોનો સર્વે પણ હાથ ધરાનાર છે. સર્વેમાં સરકારી અને ખાનગી મિલકતો અને તેનું ક્ષેત્રફળ સહિતની વિગતો એકત્ર કરાઇ છે. જેથી ભવિષ્યમાં ઝડપથી કામ આગળ વધી શકે.

અત્યારે મંદિરના પુન:નિમાર્ણની કામગીરી ચાલતી હોવાથી ભક્તો મુખ્ય મંદિરમાં માતાજીના દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ મંદિરની ફરતે બેરીકેટ ગોઠવી દેવાયા છે. માતાજીના દર્શન માટે અત્યારે ભક્તોને દીપમાળ દરવાજેથી પ્રવેશ અપાઈ રહ્યો છે. જ્યાંથી વરખડી મંદિરમાં પણ દર્શન થઈ શકે છે. મંદિર ક્યારે બાંધવામાં આવ્યું અને કેવું હતું?

બહુચરાજી માતાજીના મંદિરને વડોદરાના રાજવી મનજી રાય ગાયકવાડે 200 વર્ષ પૂર્વે બંધાવ્યું હતું. આ મંદિરનું બાંધકામ સંવત 1835 થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ હતું. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ હતા. આ આ આખુયે મંદિર પથ્થરથી બનેલ હતું. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો હતી. આમ 200 વર્ષ પૂર્વે બંધાયેલા આ મંદિરને વચ્ચેના ગાળામાં સરકારે તોડીને નવું બનાવવા 8 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેનું કામ વર્ષ 2015માં પૂર્ણ કરાયું હતું. આ કામગીરીમાં રાજસ્થાનના સફેદ આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરાયો હતો. આ સમયે સભા મંડપની ખામીઓ ઘુમ્મટ વગેરે ખુલ્લા હોવા સહિતની અનેક ખામીઓ હતી. જેને લઇને વિવાદ શરૂ થયો હતો. આ ઉપરાંત મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈ 56 ફૂટને બદલે 49 ફૂટની કરી દેવાય હતી. એટલે કે સાત ફૂટ ઘટી હોવાથી ભક્તોની લાગણી દુભાઇ હતી અને આ દરમિયાન જ 2015માં ફાગણી પૂનમે મંદિરનું એક શિખર ઘસીને નીચે પડવાની ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર અને આર્કિટેકને મંદિરના બાંધકામમાં રહી ગયેલી ખામીઓ નજરો નજર બતાવી જે તે સમયના ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન એવા જિલ્લા કલેક્ટરે એક મહિનામાં ખામીઓ દૂર કરવા સૂચના પણ આપી હતી. 2015માં મંદિરનું એક શિખર ઘસી પડ્યું ત્યારે બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મંદિરના બાંધકામમાં વાઈટ સ્ટોનની જગ્યાએ બ્લેક સ્ટોન વાપરી કરડોનો ભ્રષ્ટાચાર કરાયો છે તેવા આક્ષેપો પણ કર્યા હતા, બહુચરાજી મંદિરના નવીનીકરણમાં મુખ્ય શિખરની ઊંચાઈ 56 ફૂટને બદલે 49 ફૂટની કરી દેવાય હતી. એટલે કે સાત ફૂટ ઘટી હોવાથી લોકોની લાગણી દુભાતા જે તે સમયે મંદિરની ઊંચાઈ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક અને રાજકીય પક્ષઓએ મંદિર ઊંચાઈ વધારવા અનેક રજૂઆત કરી હતી. જે બાદ હાલ મંદિરના પુન:નિર્માણની કામગીરી શરૂ કરાઇ છે.

'તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ બાદ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન બેચરાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં ભ્રષ્ટાચાર ન હોય, મંદિરોને પણ છોડ્યા નથી. વર્ષો પહેલા જે આપણા રાજવીઓ હતા એમને મંદિરો બનાવ્યા તો આજ સુધી એની કાંકરી હાલતી નથી અને આ વર્તમાન સત્તા પર બેઠેલા રાજાઓ જ ગણાય તેઓને આસ્થા સાથે કોઈ લેવાદેવા નથી એમના મળતીયાઓને કેવી રીતે કોન્ટ્રાક્ટ મળે જ્યાં મંદિરોમાં જ આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો બીજા કામમાં મારે શું અપેક્ષા રાખીએ.