રિપોર્ટ@બનાસકાંઠા: પદયાત્રીઓને 'રોયલ' અનુભૂતિ કરાવતો સેવા કેમ્પ, જોઈને ભાવિકો શું બોલી ઊઠ્યા ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂવાત થઇ ગઈ છે. લાખો ભક્તો માતાનાં દર્શન કરવા જઈ રહ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મેળાનો રંગચંગે પ્રારંભ થઈ ગયો છે. લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે. ત્યારે પગપાળા જતા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી કેમ્પો ધમધમી ઉઠ્યા છે. પાલનપુર -અંબાજી માર્ગ ઉપર આવેલા વડગામ ધોરી ગામ નજીકના કેમ્પે પદયાત્રીઓને 'રોયલ' અનુભુતિ કરાવી છે. ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવું ભોજન સહિતની સુવિધાઓ આ કેમ્પમાં જોવા મળી રહી છે. ઢોલ-નગારા સાથે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવે છે. આ કેમ્પને જોઈ ભાવિકો બોલી ઉઠ્યાં કે, 'આવો કેમ્પ જિંદગીમાં પહેલી વાર જોયો'.
સેવા ભાવિ સંસ્થા પી.એન માળી ફાઉન્ડેશન દ્વારા બનાવેલા ફાઈવ સ્ટાર સુવિધાઓ વાળા સેવા કેમ્પનું શુક્રવારે ભાજપના પ્રદેશ મહામંત્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જયાં ભક્તો માટે ચા - નાસ્તા, ભોજન તેમજ આરામ કરી શકે તે માટે અનેક ફાઇવસ્ટાર સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ કેમ્પ અંદાજે 9 વિઘા જમીનમાં ફેલાયેલો છે. જે કેમ્પને બનાવવામાં 23 દિવસનો સમય લાગ્યો હતો. દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ કેમ્પની સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. પદયાત્રીઓ માટે દરરોજ અલગ અલગ વેરાયટીઓ જમવામાં આપવામાં આવી રહી છે. તેમજ રાત્રે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવે છે. ગુજરાતના 135થી વધુ કલાકારો દરરોજ રાસ ગરબાની રમઝટ બોલાવશે.
યાત્રાધામ અંબાજીમા ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને જવા પગપાળા યાત્રા કરી રહ્યાં છે. લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે રાહત કેમ્પોમાં કામ કરી રહ્યાં છે.
પગપાળા ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે પાલનપુર -અંબાજી હાઇવે ઉપરના વડગામના ધોરી ગામ નજીક પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સેવા કેમ્પનું શુક્રવારે ભાજપ પ્રદેશ મહામંત્રીના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફાઈવ સ્ટાર સેવા કેમ્પોમાં પગપાળા ભક્તોને ઢોલ, નગારાં અને શરણાઈ વગાડીને જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે. યાત્રાળુઓને હોટલ કરતા પણ ઉત્તમ જમવાનું જમાડવામાં આવી રહ્યું છે. આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ડીસાના ધરપડા ગામેથી ચાલીને આવતા ભક્ત ઠાકોર શોભાજીએ જણાવ્યું હતું કે, હું અંબાજીનો ભક્ત છું. વર્ષોથી ચાલીને જ આવું છું. પ્રથમ વખત આવો કેમ્પ જોયો છે. અહિં બધી જ સુવિધા છે. જમવાની, સુવાની, સ્નાન કરવાની સહિત તમામ સુવિધાઓ છે. વરસાદ પડે તો પણ આરામ કરી શકીએ જેવી ઉત્તમ સુવિધાઓ છે.
આ અંગે કેમ્પ સંચાલક પી એન માળીએ જણાવ્યું હતું કે, સવારે ચા-નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું તેમજ ભાદરવો મહિનો હોવાથી વરસાદનું વાતાવરણ હોઈ જેને પગલે આખો વોટર પ્રુફ ટેન્ટ બાંધવામાં આવ્યો છે. ભોજન કક્ષાથી લઈ રહેવા માટે બે અલગ અલગ ડોમ બનાવ્યા છે. ખુલ્લી જગ્યા પણ છે જ્યા પણ બેસવા ઉભા રહેવા માટે જગ્યા છે. દરરોજ સાંજે રાસ-ગરબાનું ખુબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતના નામચીન 110 થી વધુ કલાકારો અહીં આવશે. ભક્તોને ક્યાય તકલીફ ના પડે એ માટે P. N માળી ફાઉન્ડેશન દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી આ યાત્રિકો માટે કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પ્રદેશના મહામંત્રી રજની પટેલ સહીત આગેવાન સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. માય ભક્તોની સેવા કરવાનો માં જગદઅંબાએ અમને મોકો આપ્યો છે. અમે સેવા કરીએ અમારી સેવાનો લાભ માય ભક્તો લઈ રહ્યા છે. આ કેમ્પ અમે પ્રથમ વાર કર્યો છે. આ પહેલા અમે અંબાજીમાં અલગ અલગ પ્રકારે સેવા આપતાં હતા.
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભાદરવા સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત્ રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા મહામેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનો છે.
આ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને અંબાજી પહોંચે છે અને જગતજનની મા અંબાનાં ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. આગામી સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઊઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ લોકો દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. સાત દિવસના આ મહામેળામાં વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઇ છે. જેથી યાત્રાળુઓને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી માતાજીનાં દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.