રિપોર્ટ@બનાસકાંઠા: ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં જ રેલવેના ઓવરબ્રિજ પર ગાબડા જોવા મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલ ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની તપાસ હજુ જારી છે. આ દુર્ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યા નથી, ત્યાં હવે વધુ એક બ્રિજમાં ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે. અમીરગઢ વિસ્તારમાં ઈકબાલગઢ બ્રિજને કરોડોના ખર્ચે બનાવાયો હતો. પરંતુ બ્રિજમાં હવે સળિયા દેખાવા લાગ્યા છે અને ગાબડા પડવાની શરુઆત થઈ છે. પુલની સ્થિતિને જોઈને લોકોને દુર્ઘટનાને લઈ ચિંતા સતાવવા લાગી છે.
ત્રણ વર્ષ અગાઉ જ આ બ્રિજ 26 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલમાં ગાબડા મોટા જોવા મળી રહ્યા છે. પ્રોટેક્શન વોલ પર પણ તીરાડો પડવા લાગી છે. સ્થાનિકો આ માટે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોવાના આક્ષેપ કર્યા છે. ફરીથી પુલ તુટી પડવાની ઘટના સર્જાય નહીં તે માટે દરકાર દાખવવી જરુરી છે. આ માટે હાલ તો સેમ્પલ લઈને તપાસ કરી જોઈ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામા આવી છે.