રિપોર્ટ@ગુજરાત: 1700 કિમી દૂરથી સુરતમાં 740 કિલો ગાંજો આવ્યો, 3 લોકોની ધરપકડ
ઓલપાડ પોલીસે 30 કલાકનો ઉજાગરો કરી બંગાળની ખાડી પાસેથી આવેલો ગાંજો ઝડપી પાડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંગાંજાના કેસ ખુબજ વધી ગયા છે. સુરત જિલ્લાની ઓલપાડ પોલીસને મોટી માત્રામાં નશીલા પદાર્થ ઝડપવામાં સફળતા મળી છે. ઓલપાડ પોલીસે 30 કલાકનો ઉજાગરો કરી અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી કુલ 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. આ ગાંજો ઓરિસ્સા રાજ્યમાં બંગાળની ખાડી પાસે આવેલા ગંજામથી 1700 કિલોમીટરનું અંતર કાપી સુરત જિલ્લામાં આવ્યો હતો. પોલીસે 1 મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઈબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનું અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઈલશા ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી 71,29,500ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 74,08,350 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો સલીમ ઈસ્માઈલ શા ફકીર ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશના ગુનામાં પકડાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા નશા રવાડે યુવાધન ન ચડે એ માટે અસરકારક કામગીરી કરવામાં આવી છે. 12મી સ્પટેમ્બરના દિવસે ઓલપાડ PI સી.આર જાદવને મળેલ બાતમીના આધારે એટોદરા ગામમાં વાઈબ્રન્ટ ઈકો પ્લાન્ટના મકાન નંબર-3માં ભાડે રહેનાર સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેના ઘરે સર્ચ કરતા પાસ પરમિટ વગરનું 27 કિલો 380 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે મામલે પોલીસે આકરી પુછપરછ કરતા આ ઈસમની સાથે ગાંજો લાવનાર અઝીઝ ફકીરે આપેલ હતો અને અન્ય શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહ જે માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે રહે છે. તેના ઘરે સર્ચ કરતા 712 કિલો 950 ગ્રામ ગાંજો ઝડપવામાં સફળતા મળી છે. આમ કુલ 740 કિલો 330 ગ્રામ જેની કુલ કિંમત 74 લાખ 3 હજાર 300 જેટલી થાય છે. જે મદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને NDPSની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસે આ મામલે ત્રણ આરોપી જેમાં સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે જે એટોદરા ગામે ભાડે રહે છે. બીજા અઝીઝ સલીમ ફકીર જે માંગરોળ રહે છે અને ત્રીજા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહ જે માંગરોળ રહે છે આ ત્રણેયની ધરપકડ કરી છે. બીજા અન્ય ત્રણ ઈસમો કે જેમની ગાંજો મોકલવામાં મહત્વની ભૂમીકા રહી છે તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે. આ મામલે આગળની CPI સુરત ચલાવી રહ્યાં છે. જ્યારે જ્યારે પોલીસને આ પ્રકારની બાતમી મળે છે ત્યારે લોકલ પોલીસ, LCB, SOGની ટીમ સક્રિય રહી કાયદેસરની કાર્યવાહી કરે છે. ચારથી વઘારે ઈસમોની પીટ NDPS એટલે કે પાસા જેવી કડક કાર્યવાહી પણ સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી પ્રમાણે એક કન્ટેનરમાં ગાંજો લાવ્યાની માહિતી મળી છે. તેમજ નાના-નાના વાહનોમાં તેની ડિસ્ટ્રીબ્યુશન આરોપી કરવાના હતા. એ ડિસ્ટ્રીબ્યુશન થાય એ પહેલાં જ પોલીસે તમામ જથ્થો ઝડપી લીધો છે. આ ગાંજો ઓરિસ્સા રાજ્યમાં બંગાળની ખાડી પાસે આવેલા ગંજામથી લાવવામાં આવ્યો હતો. જેમાં પણ બે ઈસમોની માહિતી પોલીસને મળી છે જેને પકડવાની તજવીજ ચાલું છે. પકડાયેલા આરોપીમાં અઝીઝ સલીમ ફકીર જે આગાઉ માંડવી પોલીસ સ્ટેશનમાં ગાંજાના ગુનામાં પકડાયેલ છે. આ તમામ આરોપી વિરૂદ્ધમાં સુરત રૂરલ પીટ NDPS હેઠળ કાર્યવાહી કરશે.
આ લોકો મોટા જથ્થામાં કોઈ એક જગ્યાએ ગાંજો રાખી બાદમાં નાના-નાના જથ્થામાં નાના વાહનો જેમ કે ઓટો-રીક્ષા હોય કે કોઈ મિડીયમ લેવલનું માલવાહક વાહનમાં પેડલરો સુધી પહોંચાડવામાં આવતું હતું. ત્યાંથી પછી 5, 15, 50 કે 100 ગ્રામમાં આ લોકો તેનું વેચાણ કરતા હતા.