રિપોર્ટ@બારડોલી: ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવકના શરીરના 2 ટુકડા થયા, જાણો સમગ્ર બનાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બારડોલીના મઢી રેલવે સ્ટેશન પરનો કાળજું કંપાવતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક ચાલુ ટ્રેનમાં ચડવા જતાં નીચે પટકાયો હતો. અંદાજિત 200 ફૂટ સુધી ઘસડાયા બાદ ટ્રેન નીચે આવી જતાં યુવકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. અંતે તરફડીયાં મારતું ધડ ઢળી પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના મઢી રેલવે સ્ટેશન પર નંદુરબારથી સુરત જતી મેમુ ટ્રેન મઢી રેલવે સ્ટેશન પર આવી હતી. જે ટ્રેન શરૂ થયા બાદ એક યુવકે ટ્રેનમાં ચઢવાની કોશીશ કરી હતી. જો કે, ટ્રેન પૂર જોશમાં ચાલી રહી હતી. જેથી ટ્રેનમાં સવાર કેટલાક લોકોએ યુવકને ન ચઢવા માટે જણાવ્યું હતું તે છતાં યુવક ચઢવાની કોશિશ કરતો હતો. જે દરમિયાન ચઢતી વેળાએ ટ્રેનના પગથિયા પરથી યુવાનનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો હતો
આ અકસ્માતમાં યુવક ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. અંતે અંદાજિત 200 ફૂટ જેટલો ઘસડાયા બાદ યુવક ટ્રેન નીચે આવી ગયો હતો અને તેનું શરીર કમરના ભાગેથી કપાઈ ગયું હતું. તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકના જમણા હાથ ઉપર 'ઉમેશ'નું ટેટૂ ત્રોફાવેલું છે તથા જમણા હાથ ઉપર ફુલવાળાં ટેટૂમાં 'UMESH' તથા દિલમાં 'UR' ત્રોફાવેલું છે. યુવકે કાળા કલરની ટી શર્ટ તથા સફેદ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે. જોકે, હજુ સુધી યુવકની ઓળખ થઈ નથી.