રિપોર્ટ@ગુજરાત: અંબાજી મંદિર સંસ્થાના ટ્રસ્ટ દ્વારા અંબિકા રથ તૈયાર કરીને ગુજરાતના ગામેગામ ફરીને ભક્તોને દર્શનનો લાભ આપ્યો
ગુજરાતના ગામેગામ ભક્તોને દર્શન આપ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્યમાં સુપ્રસિદ્ધ માં અંબાનું મંદિર આવેલું છે. ઘણા લોકો માતાજીના દર્શન માટે જાય છે. ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં ગબ્બર પર્વત ઉપર 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભક્તોને આ 51 શક્તિપીઠના દર્શન થાય અને તેનો પ્રચાર થઈ શકે તે હેતુથી અંબાજી મંદિર સંસ્થાના ટ્રસ્ટ દ્વારા અંબિકા રથ તૈયાર કરીને ગુજરાતના ગામેગામ ફરીને 51 શક્તિપીઠ દર્શનનો લાભ લેવાનો પ્રચાર કરી રહ્યા છે.
છેલ્લા દોઢ મહિનાથી નીકળેલો આ રથ અત્યાર સુધીમાં અંબાજીથી ઊંઝા થઈને બહુચરાજી સુધીના તમામ ગામમાં ફર્યા બાદ ફરીથી અંબાજી પરત પહોચ્યો હતો. ત્યારબાદ ફરીથી એક વખત અંબાજીથી ચોટીલા જવા નીકળીને ભક્તોને તથા ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને VR ટેક્નોલોજીથી ગબ્બરની ફરતે પરિક્રમા પથ પર આવેલા 51 શક્તિપીઠના દર્શન કરાવ્યા હતા. અંબાજીથી ચોટીલા જવાના માર્ગમાં અમદાવાદમાં આ રથ આજરોજ શહેરના નવા વાડજ વિસ્તારમાં પહોંચ્યો હતો. અંબાજી મંદિર સંસ્થાના ટ્રસ્ટ દ્વારા રાત્રિના રોકાણ માટે તથા પધરામણી માટે ભાદરવી પૂનમિયા સંઘનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અમદાવાદથી છેલ્લા 189 વર્ષ પગપાળા સંઘ અંબાજી દર્શન કરવા પહોંચે છે એવા આનંદી ઇન્દ્રમણ (લાલ ડંડા સંઘ) ટ્રસ્ટ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેન્ડબાજા સાથે નાની બાળાઓ દ્વારા માથે કળશ લઈને અંબિકા રથનું સામૈયુ કરવામાં આવ્યું હતું.
આપ રથની ખાસિયત એ છે કે, ગામેગામ ફરીને ચાલી ફરી ન શકતા લોકોને તથા દિવ્યાંગજનો અને ખાસ કરીને વૃદ્ધોને અંબાજીમાં આવેલા ગબ્બર પર્વતની પરિક્રમા પથને ફરતે આવેલા 51 શક્તિપીઠના અદ્યતન ટેકનોલોજી એટલે કે VR ટેકનોલોજીથી દર્શન કરાવે છે. આજે નવા વાડજ વિસ્તારમાં આ રથનું ભવ્ય સ્વાગત અને પૂજન અર્ચન કરવામાં આવ્યું, તે પ્રસંગે સંઘના કોમ યાત્રિક કમિટી સભ્ય મિલનભાઈ દવેએ સંઘનું મહત્વ સમજાવ્યું હતું તથા રથ તેમના સંઘના અન્ય કમિટી સભ્ય અશ્વિનભાઇ મોદીના ઘરે પધાર્યા તે બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. શક્તિપીઠ અંબાજી ધામથી આવેલા આ અંબિકા રથના દર્શનાર્થે નારણપુરા વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતુ ભગત પણ પધાર્યા હતા.