રિપોર્ટ@ભાવનગર: સામાન્ય બાબતે 1 યુવાન પર 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

જાનથી મારી નાંખવાની ધમકી
 
રિપોર્ટ@ભાવનગર: સામાન્ય બાબતે 1 યુવાન પર 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મારામારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખે છે.  ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરાગામે રહેતા માલધારી યુવાનને આજ ગામનાં શખ્સે રસ્તા વચ્ચે આંતરી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાને 5 શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના સણોસરાગામે રહેતો અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો માલધારી યુવાન ગોપાલ ગોવિંદ જોટાણા રે.વડવાળાનગર સણોસરા વાળો ગત રાત્રીના સમયે ગામને સીમાડે આવેલ મંદિરે દર્શન કરી બાઈક લઈ પરત આવી રહ્યો હતો, તે વેળાએ સણોસરા ના નેસડા વિસ્તારમાં આજ ગામના વિજય સુખા સાંબડ નામનો શખ્સ રસ્તામાં સામો મળ્યો હતો.

એ વખતે વિજયે ગોપાલને આંતરી કહેલ કે 'તું મારી સામે કાતર કેમ મારે છે' અને ગાળો દેતા ગોપાલે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિજયે ગોપાલને લાફા મારી તેના બાઈકની ચાવી ખેંચી લેતા ગોપાલ ઘરે આવતો રહ્યો હતો. એ દરમ્યાન થોડી વાર પછી આરોપી વિજય સુખા સાંબડ સંજય સુખા સાંબડ જીતુ જોગા સાંબડ હરૂ જોગા સાંબડ તથા હીરા જોગા સાંબડ રે.તમામ સણોસરા વાળા ગોપાલના ઘરે પાઈપ ધોકા કુહાડી જેવા હથિયારો સાથે આવી ગાળો આપતા હતા.

ગોપાલના પિતા ગોવિંદ સામંત જોટાણાએ આરોપીઓને ગાળો ન બોલવા અને ઝઘડો ન કરવા સમજાવતા આરોપીઓએ ગોવિંદને પણ પાઈપ વડે ફટકારી પિતા-પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરના બારી બારણાની તોડફોડ કરી નુકસાન કરી ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત ગોપાલને સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર બાદ તેણે પાંચેય આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.