રિપોર્ટ@ભાવનગર: ચપ્પલ કાઢવાનું કહેતાં 3 લોકોએ ડૉક્ટરને ગાળો બોલી અને ઢોર માર માર્યો

એક મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ઈમર્જન્સી રૂમમાં તેઓ મહિલાને લઈને આવ્યા હતા. 
 
રિપોર્ટ@ભાવનગર: ચપ્પલ કાઢવાનું કહેતાં 3 લોકોએ ડૉક્ટરને ગાળો બોલી અને ઢોર માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારામારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ભાવનગરના સિહોર તાલુકામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત એક મહિલાને ત્રણ લોકો સારવાર માટે લઈ આવ્યાં હતાં. એ દરમિયાન ઈમર્જન્સી વિભાગમાં આ મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે ડૉક્ટરે મહિલાની સાથે આવેલા ત્રણ લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહેતાં જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ડૉક્ટરને મનફાવે એમ અપશબ્દો બોલી તેમના પર હુમલો કરી દીધો હતો. ઢીકાપાટુનો માર મારી દવાઓ સહિતની સાધનસામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, સિહોરમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે શ્રેય હોસ્પિટલ નામની હોસ્પિટલ આવેલી છે, જેમાં MD ઈમર્જન્સી ડોક્ટર તરીકે દર્દીઓની તેઓ સારવાર કરતા હતા. એ દરમિયાન એક કારમાં ત્રણ શખસ આવ્યા હતા. એક મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ઈમર્જન્સી રૂમમાં તેઓ મહિલાને લઈને આવ્યા હતા. એ દરમિયાન મહિલાની સારવાર ચાલી રહી હતી.

આ સમયે ડૉક્ટરે આ ત્રણેય લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહ્યું હતું. જોકે આટલી વાતમાં જ આ ત્રણેય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. એક બાદ એક પાંચથી છ લાફા માર્યા હતા. અપશબ્દો બોલી ડૉક્ટરને માર મારવા લાગ્યા હતા. આ ત્રણેય શખસે ડૉક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફને જેમ ફાવે એમ ગાળો બોલી હતી.

દવા તથા સાધનોને પછાડી આશરે 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. એ બાદ દર્દીને લઈને કારમાં ચાલ્યા ગયા હતા. જોકે જતાં જતાં પણ ધમકી આપતા ગયા હતા કે જો હવે પછી ક્યારેય ચપ્પલ કાઢવાનુું કહ્યું તો જાનથી મારી નાખીશું. મહિલા દર્દીની સારવાર કરાવ્યા વગર જ આ ત્રણેય લોકો તેને લઈને ત્યાંથી પરત જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, આથી ડો.જલદીપસિંહ ગોહિલે સિહોર પોલીસ સ્ટેશનમાં સ્કોડા કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ લાલઘૂમ થયું છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને તબીબોની સુરક્ષા જળવાઈ રહે એ માટે હુમલાખોરો વિરુદ્ધ તાકીદે કડક પગલાં લેવા માટે ભાવનગર જિલ્લાના એસપી ડો. હર્ષદ પટેલને લેખિતમાં રજૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.