રીપોર્ટ@ભાવનગર: રૂવાપરી રોડ પરના પનીર બનાવવાના કારખાનામાં હેલ્થ વિભાગે દરોડો પાડ્યો
કારખાનામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરમાં રૂવાપરી રોડ પરના પનીર બનાવવાના કારખાનામાં હેલ્થ વિભાગે દરોડો પાડ્યો છે. એસઓજી પોલીસ અને એલસીબીના સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું. પનીરમાં થતી ભેળસેળને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ભેળસેળયુક્ત પનીર જણાતા હેલ્થ વિભાગે નમૂના લેવાનું શરુ કર્યું હતું. સ્થળ ઉપર ભેળસેળયુક્ત પનીરને લઈને કાર્યવાહી કરી.
તપાસમાં પનીરમાં દૂધના બદલે આઈસ્ક્રીમ પાવડર અને વનસ્પતિ તેલનો ઉપયોગ પનીર બનાવવામાં થતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે તહેવારોમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને લઈને ચેકિંગ કરાઈ રહ્યું છે. ત્યારે SOG અને LCB પોલીસને બાતમી મળી હતી કે રૂવાપરી રોડ પર એક પનીરના કારખાનામાં ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવી રહ્યું છે.
જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ સાથે દરોડા પાડતા શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો. હાલ આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.