રિપોર્ટ@ભાવનગર: તસ્કરની ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી, 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
 
રિપોર્ટ@ભાવનગર: તસ્કરની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતો હોય છે.  ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે વિદ્યાનગર વિસ્તારમાં આવેલ કોલેજ પાસેથી મહુવાના તસ્કરની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, વિદ્યાનગરમાં આવેલ વળીયા કોલેજ પાસે રોકડીયા હનુમાનજી મંદિર પાસે એક શખ્સ કાર સાથે ઉભો છે અને તેની પાસે શંકાસ્પદ દાગીના તથા રોકડ રકમ છે જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે પહોંચી કાર નં-જી-જે-07- બીડી-0457 સાથે એક શખ્સની અટક કરી પોલીસ સ્ટેશનમાં લાવી નામ-સરનામું પુછવા સાથે તેના કબ્જામાં રહેલ મુદ્દામાલની તલાશી હાથ ધરી હતી.

તેમજ આ શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલો છે કે કેમ તે અંગે પણ ચકાસણી હાથ ધરી હતી જેમાં અટક કરાયેલા શખ્સે પોતાનું નામ મુકેશ ઉર્ફે રોક કનૈયાલાલ રાઠોડ ઉ.વ.44 રે.શાંતિનગર-1 પ્લોટનં-19 મહુવા શહેર વાળો હોવાનું જણાવેલ તથા તેના કબ્જામાથી સોના-ચાંદીના દાગીના ઈમિટેશન ઝ્વેલરી રોકડ રકમ એક મોબાઈલ તથા કાર મળી આવેલ આ મુદ્દામાલ અંગે પુછપરછ કરતા શખ્સે સંતોષકારક જવાબ ન આપતા તેની સઘન પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસ દરમિયાન શહેરના ટોપ-થ્રી તથા કાળીયાબિડના ભગવતી સર્કલ વિસ્તારમાં આવેલ બંધ મકાનના તાળા તોડી રોકડ તથા દાગીનાની ચોરી કર્યાં ની કેફિયત આપી હતી.

દરમિયાન પોલીસે આરોપીની ક્રાઈમ કુંડળી તપાસતા આ શખ્સ અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું. તેની વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી.  તથા તાજેતરમાં ઘરફોડ ચોરી અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે આમ એલસીબી એ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.6,12,780 ના મુદ્દામાલ સાથે તસ્કર "રોક"ને નિલમબાગ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.