રિપોર્ટ@ભાવનગર: પી.આઇ.ના ત્રાસથી કંટાળી મહિલા કોન્સ્ટેબલે ઝેરી પ્રવાહી પી લીધું

બનાવના પગલે ભારે દોડધામ સર્જાઇ હતી.
 
રિપોર્ટ@ભાવનગર: પી.આઇ.ના ત્રાસથી કંટાળી મહિલા કોન્સ્ટેબલે ઝેરી પ્રવાહી પી લીધું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજયમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. એમાં આત્મહત્યના બનાવો ખુબજ વધી ગયા છે. ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલે આજે બપોરે પોલીસ સ્ટેશનમાં જ ઓલઆઉટ પી લઇને આત્મહત્યાનો પ્રયાસ કરતા આ બનાવના પગલે ભારે દોડધામ સર્જાઇ હતી.મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે ભાવનગર ખાતે લાવવામાં આવતાં હાલ તેમની સ્થિતિ સુધારા પર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેણુકાબહેન આદેસરાએ આજે બપોરે પોલીસ સ્ટેશનમાં જ ઓલઆઉટ પી લીધું હતું. મહિલા કોન્સ્ટેબલે ઓલઆઉટ પી લીધું હોવાની જાણ થતાં પોલીસ બેડામાં જ બારે દોડધામ સર્જાઇ હતી. સારવાર માટે ભાવનગરમાં લાવવામાં આવેલા મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, પી.આઇ.એ તેમના પતિને કોઇ ગુનો આચર્યો ન હોવા છતાં માર માર્યો હતો.તેમના પતિ દારૂનો ધંધો કરતા નથી છતાં તેમને માર મારવામાં આવ્યો હતો.

પી.આઇ. માનસિક ત્રાસ આપતાં હોવાના કારણે તેમના ત્રાસથી ઝેરી પ્રવાહી પી લીધું છે. આમ, મહિલા કોન્સ્ટેબલે પી.આઇ. પર ત્રાસના આક્ષેપો કરતાં આ બાબત હાલ પોલીસ બેડામાં જ ભારે ચર્ચાનો વિષય બની છે. આ બનાવ અંગે પી.આઇ.એસ.વી.ચાૈધરીએ જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલના પતિ કાૈશલકુમારની ગઇકાલે પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. મહિલ કોન્સ્ટેબલને અગાઉ પણ પતિના દારૂના ધંધા બાબતે જાણ કરી હતી, પરંતુ તેમ છતાં તેમના પતિ દારૂનું વેંચાણ કરતા હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં મહિલા કોન્સ્ટેબલે પતિને જામીન આપી દેવા માટે મને ફોન કર્યો હતો. તેમણે ચૂંટણી સમયે પતિ વિરુદ્ધ અન્ય કોઇ કાયદેસરની કાર્યવાહી ન થાય તે માટે પ્રેશર લાવવા માટે આ પગલુ ભર્યું છે. તેમણે ઓલઆઉટ પીવાનો પ્રયાસ કરતા તેમને તુરંત અટકાવી દેવામાં આવ્યાં હતા.