રિપોર્ટ@ભુજ: રતનાલ નવા બાયપાસ પાસે 3 મહિનામાં ત્રીજી વખત ભંગાણ પડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જળ જીવન માટે ખુબજ જરૂરી છે. કેટલાક વિસ્તારમાં લોકો પીવાનું પાણી મળતું નથી. ભુજ શહેરના 80 ટકા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદાની પાઇપ લાઇનમાં રતનાલ નવા બાયપાસ પાસે 3 મહિનામાં ત્રીજી વખત ભંગાણ પડ્યું છે. જેને કારણે આવતા 24 કલાક સુધી પાણી વિતરણ ઠપ્પ થઈ જશે. ચાર દિવસથી લીકેજ હોવાને કારણે નજીકના મગિયાસર તળાવમાં બે ફૂટ જેટલું પાણી આવી ગયું હોવાનું ગ્રામજનો જણાવે છે. પાઇપ લાઇનમાં લીકેજ આજ રાત્રી સુધી રીપેર થઈ જશે તેવું પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર મનોજ ગુરંગે જણાવ્યું હતું.
ભુજ સુધી દૈનિક અંદાજે 45 એમએલડી પાણીનું સપ્લાય કરતા નર્મદાની પાઇપ લાઇનમાં રતનાલ બાયપાસની કામગીરી ચાલે છે ત્યાં લીકેજ થતા લાખો ગેલન પાણી વેડફાઈ ગયું છે. આ અંગે રતનાલ ગામના દેવજીભાઈ આહિરે જણાવ્યું કે ચાર દિવસથી પાણી લીક થાય છે. ગૌશાળામાં ગાય પણ જઇ શકતી નથી અને નજીકના મગીયાસર 28 એકરના તળાવમાં બે ફૂટ જેટલું પાણી ચડી આવ્યું છે. અમે અધિકારીઓને બે દિવસથી જાણ કરીએ છીએ પરંતુ હજુ સુધી કોઈ રીપેરીંગ માટે આવ્યું નથી. તો બીજી તરફ ભુજ નગરપાલિકા પાણી સમિતિના ચેરમેન સંજય ઠક્કરને પૂછતા તેમણે જણાવ્યું કે આ ભંગાણને તાત્કાલિક રીપેર કરવા માટે પાણી પુરવઠા બોર્ડને જાણ કરતા તેમના માણસો રીપેરીંગ માટે પહોંચી ગયા છે.
હાલ બે કે ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું તેના ઉપર વધુ એક દિવસની અસર પહોંચશે કારણ કે શટ ડાઉન કર્યા પછી પાણી લાઈન ખાલી થઈ જાય ત્યારબાદ મરમ્મત થાય અને ત્યારબાદ ફરીથી વિતરણ શરૂ થાય એટલે 24 કલાકનો બ્રેક પડે. GWIL દ્વારા આ લાઈનનું મેન્ટેનન્સ થાય છે પાણી પૂરવઠા બોર્ડના કા.ઈ. મનોજ ગુરંગે જણાવ્યું કે શટ ડાઉન કરીને રીપેરીંગ પૂર્ણ કરી પાણી પુરવઠો વિતરણ કરવાનું પૂર્વવત થતા 24 કલાક ગણી શકાય. માટે આજે મોડી રાત્રી સુધી સપ્લાય શરૂ થઈ જશે. ભુજને કુકમા સંપ પરથી 30 એમએલડી અને એર વાલ્વ દ્વારા 15 એમએલડી આમ કુલ સરેરાશ 45 એમએલડી નર્મદાનું પાણી સપ્લાય થાય છે.