રિપોર્ટ@અમદાવાદ: વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે.
વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. તે સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલી પંજાબ સુધી પહોંચ્યો હતો. જ્યારે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરું જગ્યાએ નાખી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરી ભાગી છૂટ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે. ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે અંગે પણ તપાસ ચાલુ છે. આ દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.
વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે.પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે. તરત જ બુલેટ ટર્નમાં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે. આ સમયે કાર ચાલકને 'એ ધીરે ચલાવ' કહીને બન્ને મિત્રો આગળ નીકળી જાય છે અને હેરિયરચાલક યુ-ટર્ન લઈને તેમનો પીછો કરે છે. જેની ગણતરીની સેકન્ડોમાં જ કારચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે. CCTV ફૂટેજના બીજા એન્ગલમાં જોઈ શકાય છે કે, બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે જ સામેથી હેરિયર આવે છે અને બન્ને વાહન સેકન્ડો માટે રોકાતાં જોઈ શકાય છે. જેની ગણતરીની સેકન્ડોમાં જ હેરિયરચાલક પ્રિયાંશું પર હુમલો કરી લોહીલુહાણ કરી દે છે.