રિપોર્ટ@અમદાવાદ: ઈસનપુર તળાવમાં સૌથી મોટું મેગા ડિમોલિશન, 925 ગેરકાયદેસર મકાનો હટાવાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈસનપુર અમદાવાદનું ત્રીજા નંબરનું મોટું તળાવ છે. પહેલા તળાવમાં 167 કોમર્શિયલ બાંધકામ તોડાયા હતા ત્યારે હવે 925 રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું નહોતું.
હાલ 4 ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલુ છે. અગાઉ 20 નવેમ્બરના રોજ ડિમોલિશન કરવાનું હતું, પરંતુ સ્થાનિકોએ 4 દિવસનો સમય માંગતા આજે 24 નવેમ્બરે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાઈ છે. ડિમોલિશનને લઈને 10 નાગરિકો હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે વોટર બોડી હોવાને કારણે ડિમોલિશન માટે હુકમ કર્યો હતો. સાથે જ તે 10 લોકોને સમય આપવા કહ્યું હતું.

