રીપોર્ટ@ડાંગ: પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ટેન્ડરમાં વેપારી ભ્રષ્ટાચાર, બનાવટી હરિફાઈથી કાળી કમાણી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ડાંગ જિલ્લામાં આદીજાતી સમાજ સહિત સમગ્ર પંથકમાં શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકાર તનતોડ મહેનત કરે છે પરંતુ ઓનલાઇન પોર્ટલ ઉપર થતાં ટેન્ડરમાં ભય વગરના ભ્રષ્ટાચાર જાણશો તો ચોંકી જશો. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલા ટેન્ડરમાં પૂર્વ સેટિંગ્સ, રિવર્સ ઓક્શન દરમ્યાન બનાવટી ભાવ હરિફાઈ અને ટકાવારીના તાંડવ વચ્ચે ભ્રષ્ટાચાર ખદબદી ચૂક્યો છે. આગામી ટૂંક સમયમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ ક્યારે, કેટલા અને કઈ વસ્તુઓ ખરીદવા ટેન્ડર કર્યા અને તેમાં કયો વેપારી ભ્રષ્ટાચારની કળા કરી ગયો તેનો સનસનીખેજ ઘટસ્ફોટ જાણીશું. આટલું જ નહિ, ભ્રષ્ટાચારી વેપારી ટેન્ડરમાં કેવીરીતે સેટિંગ્સ પાડી અને રાજકીય ઓથ હેઠળ રાજ્ય સરકારને નાણાંકીય નુકસાન આપી રહ્યો તેનો ઘટસ્ફોટ પણ જાણીશું. આ સાથે ભ્રષ્ટાચારી વેપારમાં વ્હાઇટ કોલર સાહેબો કૃપાદ્રષ્ટિ રાખી મોકળું મેદાન કેવીરીતે આપે તે પણ જાણવું રસપ્રદ બનશે.
ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને પાછલા કેટલાક મહિનાઓમાં અનેક સક્ષમ કચેરીઓમાંથી વહીવટી મંજૂરીઓ મળી હતી. લાખો રૂપિયાની વહીવટી મંજૂરીઓ ચોક્કસ વસ્તુઓ ખરીદવા માટે હોઈ ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર થાય તે સ્વાભાવિક છે પરંતુ આ ટેન્ડરમાં પૂર્વ આયોજિત સેટિંગ્સ અને ભ્રષ્ટાચારના પાયા ચણાઈ ગયા હતા. આસપાસનો વેપારી આ ટેન્ડરમાં ભ્રષ્ટાચારની મોડસ ઓપરેન્ડી બનાવી આય ભાઇ હરખા આપડે બેઉં સરખા કહેવતની જેમ લાગતાવળગતાને પ્રસાદ આપી ભ્રષ્ટ વેપાર કરવામાં સફળ થયો છે. આટલું જ નહિ આગામી સમયમાં પણ અનેક વસ્તુઓનો વેપાર કરવા ક્યાં કેટલી ગ્રાન્ટ છે અને તેનો કોના મારફતે અમલી કરાવી ભ્રષ્ટ વેપાર કરવો છે તે સહિતની ઈમારતો અત્યારથી ચણી દીધી છે. આથી આગામી ટૂંક સમયમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થયેલા વિવિધ ટેન્ડરમાં થયેલો ભ્રષ્ટ વેપાર જગજાહેર કરવા સ્પેશિયલ અહેવાલ આધારે જાણવા પ્રયત્ન કરીશું.

