રિપોર્ટ@અમદાવાદ: સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 2ની લાશ મળી, જાણો સમગ્ર દુર્ઘટના

હજુ એક લાપતા યુવકની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે
 
રિપોર્ટ@અમદાવાદ: સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 2ની લાશ મળી, જાણો સમગ્ર દુર્ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા યુવકોમાંથી એક સગીર સહિત 3 સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં પડી ગયા હતા. આજે ગુરુવારે વહેલી સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક એક સગીરની લાશ તરતી મળી હતી. જે બાદ વધુ એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. હજુ એક લાપતા યુવકની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.

લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ મેળવી હતી. તે દરમિયાન ગત સાંજથી લાપતા બનેલા એક સગીરની 15 કલાકે લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયું હતું. થોડા સમય બાદ વધુ એક યુવકની લાશ મળી આવી છે.

કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે, સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો. મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી, મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો. વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી. રીલ બનાવવા આવ્યા હતા કે કેમ એની અમને ખબર નથી. મને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે. તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની ખબર નથી.

કેનાલ બહારથી વીડિયો ઉતારતા હતા તેની માહિતી હતી, પરંતુ કોણ મિત્ર હતા તે સામે આવે તો અમને ચોક્કસ ખબર પડે. ગાડી કોઈ વ્યક્તિએ ભાડે ગાડી આપી હતી જેના કારણે તેમના છોકરાએ જીવ ગુમાવે છે. નજીવા લાલચે ગાડી ભાડે આપી દેતા આવી ઘટના બની છે. જેથી અમે સરકાર અને પોલીસને વિનંતી કરીએ છીએ કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

મળતી માહિતી પ્રમાણે સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી રૂ. 3500ના ભાવે 4 કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પાલડી વિસ્તારમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડી વિસ્તારનાં યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પાલડી ક્રિશ દવે ત્યાં હાજર હતા.

વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી સાથે ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ-ટર્ન મારી અને પાછી લાવતા હતા, પરંતુ કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી. તેથી મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું નાખી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણમાંથી એકપણ વ્યક્તિ દોરડું પકડી શક્યો નહોતો અને વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.

સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કોઈ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવતું નથી, પરંતુ ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે રાતે 1 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી પાણી પણ ઓછું થઈ જતા હાલ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.