રિપોર્ટ@ગાંધીનગર: મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ શરૂ કરી છે. યુવતીના શરીર પર ઈજાનાં નિશાન મળતાં હત્યા થઈ હોવાની આશંકા છે. હાલમાં પોલીસે સ્થળ ઉપર પહોંચી પંચનામું તેમજ આસપાસના પાડોશી ના નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મહિલા કોન્સ્ટેબલ એક્ટિવા લઈને ઘરે આવી હતી. ત્યાર બાદ આજે મહિલા કોન્સ્ટેબલનાં ભાઈ-ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે વતનમાં માતાજીનું નેવૈદ્ય કરવા ગયાં હતાં. વતનથી ફોન કોલ કરતા બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પાડોશીને જાણ કરાઈ હતી.
આ અંગે પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકૂચો હતો, જે ખોલીને પાડોશીએ અંદર જોતાં મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી, જેથી 112 ઇમર્જન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસની અલગ અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના CDR મેળવવાનું શરૂ કરાયું છે.