રિપોર્ટ@ગુજરાત: સોશ્યલ મીડિયા પર વીડિયો વાઈરલ કર્યો હોવાની શંકાએ સાળા બનેવી પર હુમલો કરાયો

 અજાણ્યા ચાર સામે ફરિયાદ નોંધાઈ છે
 
રિપોર્ટ@ગુજરાત: સોશ્યલ મીડિયા પર વીડિયો વાઈરલ કર્યો હોવાની શંકાએ સાળા બનેવી પર હુમલો કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આવા બનાવો સામે આવતા હોય છે.  સોશ્યલ મીડિયા પર વીડિયો વાઈરલ કર્યો હોવાની શંકાએ ગોંડલમાં સાળા બનેવી પર હુમલો કરાયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થતા આરોપી રમઝાન ઉર્ફે ભોપલો, રમીઝ કુરેશી ઉર્ફે આર.કે. સિપાઈ, વાલીયો હીરા અને અજાણ્યા ચાર સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી બસીરભાઈ યુનુસભાઈ શેખા (ઉ.વ. 47)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું ગોંડલમાં સરવૈયા શેરીમાં મારા પરિવાર સાથે રહું છું.

અને અહીં ઘર સાથે જ બાપાસીતારામની મઢુલી પાસે એચ.એમ.બી. પ્રોવિઝન સ્ટોર નામથી દુકાન આવેલ છે. જેમાં અગાઉ અનાજ કરિયાણનું વેચાણ કરતો.

હાલ આ દુકાનમાં કપડાં સીવવાનું કામકાજ કરું છું. તા.22/02/2024 ના રાત્રીના વાળુ પાણી કરી આશરે સવા અગયારેક વાગ્યે હું તથા મારો સાળો સલમાન બંને મારું બાઈક લઈ બજારે પાન ફાકી ખાવા ગયેલ અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે આશરે રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં સરવૈયા શેરીમાં પહોંચતા રમજાન ઉર્ફે ભોપલો સિપાઈ લાકડાનો ધોકો લઈને ઉભો હતો.

હું તેની પાસે પહોંચતા ભોપલા એ મને મોઢા ઉપર ધોકો મારતા હું અને મારો સાળો મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયેલ. ત્યાં ભોપલો સિપાઈ તથા રજીઝ કુરેશી ઉર્ફે આર.કે. સિપાઈ તથા વાલીઓ હીરાભાઈ તથા બીજા ચાર અજાણ્યા માણસો ધોકા, પાઇપ લઇને આવી ગયા. ઉપરાંત ભોપલા પાસે નાના આથાવાળી કુહાડી હતી. અમને માર મારતા હું અને મારો સાળો ત્યાંથી ભાગવા લાગતા આ લોકો અમારી પાછળ આવ્યા, પણ માણસો ભેગા થઈ જતા તે બધા ભાગી ગયા હતા.

થોડીવારમાં મારો દીકરો સમીર તથા મારો જમાઈ અલ્પેશ તથા મારી પત્ની હાજુબાનુ એમ બધા આવી ગયેલ. મને તથા મારા સાળા સલમાનને 108 એમ્બ્યુલન્સમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ આવેલ.

આ બનાવ બનવાનું કારણ એવું છે કે, આજથી ત્રણેક દિવસ પહેલા ભોપલાના કુટુંબી ભાઈ તથા રજીઝ કુરેશીના ભાઈ વસીમનો મેં વીડિયો બનાવી ફેસબુકમાં મુકેલ હોવાની શંકા કરી વસીમભાઈ એ મારી સાથે માથાકૂટ ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે. કોઠીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

બસીરભાઈના આક્ષેપ મુજબ આરોપીઓ ત્યાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોય, ત્યાં દારૂ વેંચતા હોય તે અંગે કોઈએ વીડિયો વાઈરલ કરેલો. જેની શંકાએ તેમને માર માર્યો છે.