રિપોર્ટ@રાજકોટ: વાગુદડમાં સાધુના આશ્રમ પર બુલડોઝર ફરશે, 1 એકર સરકારી જમીન પચાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાગુદડમાં સાધુના આશ્રમ પર બુલડોઝર ફરશે. રાજકોટનાં કાલાવડ રોડ પર કાર રિવર્સ લેવાનું કહી આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. બાદમાં આ સાધુ દ્વારા લોધિકાના વાગુદડ આશ્રમમાં ગાંજો વાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ. આ ઘટના બાદ ખુલાસો થયો હતો કે 3,000 ચોરસ મીટર એટ્લે કે 1 એકર જગ્યામાં પથરાયેલો આશ્રમ સરકારી ખરાબા પર હતો.
સરકારી જમીન પર બનેલા આશ્રમ બાબતે લોધિકા મામલતદાર ડી. એન. ભાડ દ્વારા ખુલાસો પૂછવા માટે ત્રણ મુદ્દત આપવામાં આવી હતી. જોકે, તેમાં સાધુના કોઈ અનુયાયીઓ ન આવતા હવે આ જગ્યા પર થોડા દિવસોમાં ડિમોલિશન હાથ ધરી દબાણ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લોધિકાના વાગુદડમાં અગાઉ કલેકટર પ્રભવ જોષીની સૂચનાથી લોધિકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. સાધુએ વાગુદડ સર્વે નંબર 32 પર 3,000 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે બાંધકામ છેલ્લા 3 વર્ષથી ખડક્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં આશ્રમમાં કુલ 3 ઓરડી અને ફેન્સિંગ લગાવી છે. જે મામલે લોધિકા મામલતદાર દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં હિયરિંગમાં હાજર રહેવા માટે 3 વખત કહેવામાં આવ્યું હતું. જોકે, તેમા સાધુના કોઈ જ અનુયાયીઓ હાજર રહ્યાં ન હતાં. જેથી મહેસુલી કલમ 202 મુજબ 7 દિવસની નોટિસ આપી તે જગ્યા પર ડિમોલિશન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં વાગુદડમાં મહંત યોગી ધર્મનાથ દ્વારા આશ્રમની અંદર ગાંજાના બે છોડ વાવ્યા હોવાનું ઘટસ્ફોટ કરવામાં આવ્યા બાદ રાજકોટ ગ્રામ્ય SOGની તપાસ માટે પહોંચી હતી અને જગ્યા પર ગેરકાયદે દબાણ હોવાનું સામે આવતા અગાઉ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વાગુદડ આશ્રમની જગ્યા 1 એકરમાં ફેલાયેલી છે અને ત્યાં છોડની વાવણી કરવામાં આવી હતી. જોકે, ત્યાં ગાંજાના કેટલા છોડની વાવણી કરવામાં આવી હતી તે કે કેમ તે બાબતે FSL અને પોલીસની ટીમ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે, વાગુદડ ગામે શ્રીનાથજીની મઢીના આશ્રમ ચલાવતા મહંત યોગી ધર્મનાથે રાજકોટમાં કાલાવડ રોડ પર હંગામો મચાવ્યો હતો. તેમની કાર રોંગ સાઇડમાં હતી અને સામે આવતી GST અધિકારીની કારના ડ્રાઇવરે પાછી ન લીધી તો મહંતે કારના કાચ તોડી નાખ્યાં હતાં. એટલું જ નહીં ફરસી અને લાકડી હાથમાં લઈને છડેચોક આતંક મચાવ્યો હતો. કાલાવડ રોડ પર જે ઘટનાક્રમ બન્યો એમાં GST અધિકારીની કારના ડ્રાઇવર ભાવિન બેરડિયાએ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે આખા ઘટનાક્રમ વિશે કહ્યું હતુ કે, હું ડ્રાઇવર રાજકોટમાં સેન્ટ્રલ GSTમાં મારી ઇનોવા કાર કોન્ટ્રેક્ટમાં ચલાવું છું. આ કાર GST અપીલ કમિશનર એચ.પી. સિંહને ફાળવેલી છે. હું રાત્રે 9 વાગ્યાની આસપાસ અધિકારીને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે ઉતારીને GSTની ઓફિસે પરત જઈ રહ્યો હતો.
આ દરમિયાન મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કિશાનપરા ચોક તરફથી મારી ગાડીની સામે રોંગ સાઇડમાં એક ગાડી આવી હતી. એમાં સાધુ અને તેમના ત્રણથી ચાર અનુયાયીઓ હતા. મને ગાડી રિવર્સ લેવા કહ્યું પરંતુ પાછળ ટ્રાફિક હતો એટલે ગાડી રિવર્સમાં જઈ શકે એમ ન હતી. ત્યારે મહંતે ગાડીમાંથી ઊતરીને બોનેટ ઉપર ધુમ્બો માર્યો. તેમના હાથમાં ચીપિયો, લાકડી અને ફરસી એવાં હથિયારો હતાં, એટલે હું મારી કારમાંથી બહાર ન નીકળ્યો. આ મહંત મારી ગાડી પાછળ ગયા અને કાચ નાખ્યો.
હું ખૂબ ડરી ગયો હતો એટલે હું ત્યાંથી નાસી છૂટ્યો. થોડે દૂર ગયો તો ત્યાં પોલીસની વેન ઊભી હતી. મેં તેમને આખી ઘટના જણાવી. મહંત સહિત ત્રણ-ચાર લોકો રસ્તા પર આંટા મારવા લાગ્યા હતા, જેથી ટ્રાફિકજામ થઈ ગયો.' પોલીસે પણ મહંતને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેઓ એકના બે ન થયા. મહંતે પોલીસ સામે પણ પોતાના હાથમાં રહેલી ફરસી ઉગામી હતી અને બેફામ વાણીવિલાસ કર્યો હતો. અંતે પોલીસ તેમને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. જે ઘટનામાં હવે મહંતની જગ્યાનું પણ ડિમોલીશન કરવામાં આવશે.