રીપોર્ટ@બાયડ: ઘરની બિલ્ડીંગ ઘંટી ચાટે? તાલુકા પંચાયતે દૂધ મંડળીઓને આપી સોલાર, ડીડીઓએ મંગાવ્યો અહેવાલ

બાયડ તાલુકા પંચાયત હેઠળ અનેક ગ્રામ પંચાયત આવે છે.
 
રીપોર્ટ@બાયડ: ઘરની બિલ્ડીંગ ઘંટી ચાટે? તાલુકા પંચાયતે દૂધ મંડળીઓને આપી સોલાર, ડીડીઓએ મંગાવ્યો અહેવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


બાયડ તાલુકા પંચાયતે વિકાસની એક એવી પરિભાષા બનાવી છે કે, ગ્રાન્ટ વાપરવાના નિર્ણયમાં તાકાત જ બધું છે તેવો દાખલો બેસાડ્યો છે. તાલુકા આયોજન સમિતિની આમ તો નાણાંપંચની ગ્રાન્ટ સરકાર દ્વારા નક્કી કરેલા ક્ષેત્રમાં વાપરી શકે. આથી આ બાબતનો આધાર હોવાનું સમજી ટીડીઓ સહિતનાએ પંચાયત વિભાગની ગ્રાન્ટ આખરે સહકાર વિભાગને સંલગ્ન બિલ્ડિંગમાં કર્યો હોવાનું સામે છે. નાણાંપંચની ગ્રાન્ટમાંથી સરેરાશ 8થી 10 ગામમાં આવેલી દૂધ મંડળીઓની બિલ્ડીંગનો વિકાસ કર્યો છે. ગામમાં પંચાયત વિભાગને સંલગ્ન આવેલ અનેક મકાનોમાં સોલાર છે કે નહિ એ તપાસનો વિષય છે પરંતુ તાલુકા પંચાયતે પૂરી તાકાતથી દૂધ મંડળીઓના વિકાસમાં વધારો કરી દીધો છે. આ સિવાય સોલાર પેનલની ખરીદ પ્રક્રિયા અને પારદર્શકતાના અનેક મુદ્દે સવાલો હોવાથી અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ બાયડ તાલુકા પંચાયત પાસેથી ગ્રાન્ટ ખર્ચનો સમગ્ર અહેવાલ મંગાવ્યો છે. આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ અને ચોંકાવનારા સવાલો.


અરવલ્લી જિલ્લા પંચાયત હેઠળ બાયડ તાલુકા પંચાયત આવે અને બાયડ તાલુકા પંચાયત હેઠળ અનેક ગ્રામ પંચાયત આવે છે. આ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં પણ પંચાયત વિભાગને સંલગ્ન અનેક કચેરીઓની બિલ્ડિંગ આવેલી છે. હવે બાયડ તાલુકા પંચાયતની આયોજન સમિતિએ હમણાં કેટલાક ગામમાં આવેલી દૂધ મંડળીઓના મકાનનો વિકાસ કરવા નિર્ણય લીધો છે. દૂધ મંડળીઓને સોલાર પેનલથી સજ્જ કરવા સરેરાશ અડધો કરોડ નાણાંપંચમાંથી ખર્ચવા નિર્ણય કર્યો છે. હવે અહીં એક બાબત સમજાતી નથી કે, નાણાંપંચના એટલે કે પંચાયત વિભાગની ગ્રાન્ટથી શું સહકાર વિભાગ સંલગ્ન દૂધ મંડળીઓનો વિકાસ થાય?આ સવાલ સામે બાયડ ટીડીઓ પિયુષભાઇએ દાવો કર્યો કે, નાણાંપંચની ગ્રાન્ટથી દૂધ મંડળીઓનો બિલ્ડીંગનો વિકાસ કરી શકાય છે. આ દરમ્યાન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસથી ખરીદી કરવા મામલે સવાલ કરતાં જેડાનો આધાર હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો. આ પછી મામલો ડીડીઓ સમક્ષ જતાં શું થયું એ પણ જાણો.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીડીઓ સહિતની કમિટીના આ નિર્ણય બાદ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રથમ કે, દૂધ મંડળીઓને સોલારની જરૂરીયાત હોય તો ગામમાં આવેલી પંચાયત, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા અને કોમ્યુનિટી હોલને પણ સોલાર પાવરની જરૂરિયાત બને છે. આ તમામ કચેરીઓ જિલ્લા પંચાયતની વિવિધ શાખા હેઠળ આવતી હોઈ શું આ કચેરીઓને પ્રાથમિકતા ના મળે ? બીજો સવાલ કે, જેડા હેઠળ અનેક કંપનીઓ મંજૂર થયેલી હોય પરંતુ ખરીદી કરવા ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ કેમ પસંદ ના કર્યું? ત્રીજો સવાલ કે, પારદર્શકતા માટે તીવ્ર સ્પર્ધાત્મક માટે પ્લેટફોર્મ કેમ ના બનાવ્યું? આ સમગ્ર વિષય ડીડીઓને ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી આયોજન સમિતિના નિર્ણયથી માંડી ગ્રાન્ટ ખર્ચ કરવા સહિતના તમામ કાગળો સાથેનો અહેવાલ ટીડીઓ પાસેથી મંગાવ્યો છે. અટલ સમાચાર ડોટ કોમને અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, એક સપ્તાહ સુધીમાં જે રીપોર્ટ આવશે તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.