રિપોર્ટ@ચાણસ્મા: નર્મદાની મહા કેનાલ અને માર્ગની સુરક્ષામાં ગાબડું, ભ્રષ્ટાચારના ભરડામાં જોખમી સ્થિતિ

 ગંભીર રીતે શંકાસ્પદ વિગતો સામે આવી
 
રિપોર્ટ@ચાણસ્મા: નર્મદાની મહા કેનાલ અને માર્ગની સુરક્ષામાં ગાબડું, ભ્રષ્ટાચારના ભરડામાં જોખમી સ્થિતિ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


ચાણસ્મા વિસ્તારમાં નર્મદા કેનાલની જાળવણી અને રખરખાવ બાબતે ચોંકાવનારી અને ગંભીર રીતે શંકાસ્પદ વિગતો સામે આવી છે. ખોરસમ નજીકની બ્રાન્ચ કેનાલની આગળ જતાં કેનાલ અને માર્ગ સંરક્ષણ માટે અગાઉ મોટાપ્રમાણમાં પથ્થર પિચિંગની કામગીરી થઇ હતી. કાગળ ઉપર ખૂબ લંબાઇ ધરાવતાં આ પથ્થર પિચિંગનો ખર્ચ પણ મસમોટો હોય પરંતુ હાલમાં સ્થળ ઉપર જુઓ તો ભ્રષ્ટાચાર અને બેદરકારીનો ઘટસ્ફોટ નજરે ચઢે છે. પથ્થર પિચિંગમા એટલા હદે ભ્રષ્ટાચાર છે કે, પથ્થરો તૂટી ગયા અને તેનો ખાડો તેમજ ધોવાણ આરસીસી રોડ તોડી કેનાલ તરફ ધસી રહ્યું છે. ભ્રષ્ટાચારનુ ધોવાણ રોડ તોડીને હવે બ્રાન્ચ કેનાલની નજીક જતાં કેનાલની સુરક્ષાનો સૌથી મોટો સવાલ ઉભો થયો છે. સ્થળ ઉપરના દ્રશ્યો જોતાં માર્ગ ઉપર પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને જોખમી પરિવહન વચ્ચે સાચવવું પડે તેમ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ચોંકાવનારી અને ગંભીર રીતે શંકાસ્પદ વિગતો સામે આવી

પાટણ જિલ્લાના ચાણસ્માથી હારીજ તરફ જતાં ધર્મોડા ગામ આવે અને આ ગામની નજીક સામે ખોરસમ ગામ આવે છે. આ ખોરસમ ગામથી આગળ જતાં નર્મદા કેનાલની વધુ એક બ્રાન્ચ કેનાલ આવે છે. આ બોલેરો બ્રાન્ચ કેનાલ તરફ નજર કરો તો કેનાલની અંદર ઝાડી ઝાંખરાનો કબજો મોટા પ્રમાણમાં છે. અહીં આગળ વધો તો કેનાલના ગેટથી થોડા આગળ જતાં વળાંક પાસે બોલેરો બ્રાન્ચ કેનાલ અને રોડની સુરક્ષા માટે નર્મદા કેનાલના ઈજનેરોએ મોટાપ્રમાણમાં પથ્થર પિચિંગ કરેલું છે. આ પથ્થર પિચિંગની કામગીરી કાગળ ઉપર એટલી મજબૂત, એટલી જ ખર્ચાળ અને વધુ લંબાઇ ધરાવતી છતાં સ્થળ ઉપર પથ્થરો રમણભમણ થઈ ગયા છે. જાણે લગાવવા ખાતર લગાવેલા પથ્થરો મસમોટા ખાડાની તાકાત સામે તૂટી પડ્યા અને આખરે માર્ગ તોડી ખાડાઓ આગળ નિકળી રહ્યા છે. તમે દ્રશ્યો જુઓ તો પથ્થર પિચિંગ તોડીને મોટો ખાડો હવે કેનાલ તરફ ધસી રહ્યો છે. આવી સ્થિતિમાં બોલેરો બ્રાન્ચ કેનાલની સુરક્ષા સાથે વાહનચાલકોને જોખમી પરિવહન સર્જાયું છે. નીચેના ફકરામાં વાંચો કેમ અને કેવો ભ્રષ્ટાચાર

ચોંકાવનારી અને ગંભીર રીતે શંકાસ્પદ વિગતો સામે આવી
સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા નિગમે બોલેરો બ્રાન્ચ કેનાલની સતત જાળવણી અને સ્થળ ઉપર કેનાલ તૂટવાની શક્યતા જોઈ અહીં મોટા પ્રમાણમાં પથ્થર પિચિંગ મંજૂર કર્યું હતુ. જાણકારોના મતે આ પથ્થર પિચિંગનો ખર્ચ અને તેની લંબાઈ પહોળાઈ જુઓ તો ટૂંકાગાળામાં આ પથ્થર પિચિંગ તૂટી શકે તેમ નથી. આમ છતાં અહીં પથ્થર પિચિંગનો નજારો જુઓ તો પથ્થરો જાણે લગાવવા ખાતર ફીટ કર્યા હોય તેમ નજરે ચઢે છે. ભ્રષ્ટાચારથી ખદબદતી આ કામગીરીની જો તટસ્થ તપાસ થાય તો અહિંની બ્રાન્ચ કેનાલની સુરક્ષા માટેના ખર્ચનો ઘટસ્ફોટ થાય તેમ છે. આટલુ જ નહી, પથ્થર પિચિંગ તોડીને આગળ વધતો ખાડો બોલેરો બ્રાન્ચ કેનાલની ખૂબ નજીક ધસી રહ્યો હોવાથી બ્રાન્ચ કેનાલની માર્ગ પરની પ્રોટેક્શન વોલ ઉપર જોખમ બની શકે છે. સ્થાનિકોની અને રાહદારીઓની માંગ છે કે, સમગ્ર ખર્ચની તપાસ થાય અને સત્વરે પથ્થર પિચિંગની રીપેરીંગ કામગીરી અને જાળવણી હાથ ધરવામાં આવે.