રિપોર્ટ@અમદાવાદ: ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઈનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાયણનો પવિત્ર તહેવાર થોડા જ દિવસમાં આવી રહ્યો છે. દુનિયા ભરમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.ઉત્તરાયણનો નજીક આવતાં જ ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે, જોકે હવે અમદાવાદ પોલીસ ચાઈનીઝ દોરી ઝડપીને એની ફેકટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડાસાત લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતાં દોરીનો જથ્થો દાદરા અને નગર-હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાનીની જાણ થતાં પોલીસે સંઘપ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો. ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઈનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાઈનીઝ દોરીનો જથ્થો દાદરા અને નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા અને નગર-હવેલી પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી. ત્યારે ત્યાંથી એક ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરીનો 1.50 કરોડનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો-મટીરિયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો-મટીરિયલ કબજે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પોલીસ દ્વારા બાવળામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો, વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો, આણંદમાંથી બે લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો.

