રિપોર્ટ@વડોદરા: વકીલ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી
પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વકીલ સામે તેની જ ઓફિસમાં કામ કરતી યુવતી દ્વારા વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. કૃણાલ પરમાર નામના વકીલે પોતાને ત્યાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચરી ફોટો-વીડિયો બનાવી લીધા હતા, જેને વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની પીડિતા દ્વારા ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી વકીલ દ્વારા પીડિતા સાથેની અંગત પળોના ફોટો-વીડિયો પીડિતાના મિત્રને પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં ભોગ બનનાર યુવતીને કામની જરૂર હોઈ, તેના મિત્રને જાણ કરી હતી. જેથી મિત્રએ સુભાનપુરામાં ઓફિસ ધરાવતા એડવોકેટ કૃણાલ પરમારને ત્યાં નોકરી પર રખાવી હતી. ત્યાર બાદ વકીલે યુવતીની મજબૂરીને લાભ ઉઠાવી શારીરિક શોષણ શરૂ કર્યું હતું. યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો અને ફોટો બનાવ્યા હતા. ત્યાર બાદ અંગત પળોના ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. વકીલની વારંવારની માગણીથી કંટાળી યુવતીએ જુલાઈ મહિનામાં નોકરી છોડી દીધી હતી, પરંતુ ડરના કારણે વકીલ સામે ફરિયાદ કરી ન હતી.
વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ સમગ્ર બાબત તેનાં પરિવારજનોને જણાવતાં તેમણે ફરિયાદ કરવા માટે હિંમત આપી હતી, જેથી પીડિતા દ્વારા વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં વકીલ કૃણાલ પરમાર સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ વકીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે એસીપી આર.ડી. કવાએ જણાવ્યું હતું કે ગઈકાલે ગોરવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. એમાં ભોગ બનનાર યુવતી નર્સિંગનું ભણેલી છે અને વર્કફ્રોમ હોમ કરતી હતી. બાદમાં તેને તેના વતન જવાનું દૂર પડતાં તેણે મિત્રને વાત કરેલી કે વતન દૂર પડે છે અને મિત્રના મિત્રએ આરોપી સાથે વાત કરી તેની ઓફિસમાં જોબ અપાવી હતી. ત્યાર બાદ માસિક વેતન આપી કામ કરતી હતી. દરમિયાન આરોપીએ ભોગ બનનાર યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ ઘટનામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.