રિપોર્ટ@જુનાગઢ: સહકારી મંડળીના પ્રમુખ-મંત્રી મેનેજર સામે રૂા.6 કરોડ 21 લાખની ઉચાપતની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જુનાગઢ જીલ્લા સહકારી બેંક નીચેની ભેંસાણ તાલુકાના છોડવડી ગામે આવેલી છોડવડી જુથ સેવા સહકારી મંડળી લી.ના મંત્રી પ્રમુખ અને ભેંસાણ શાખાના મેનેજરની મીલીભગતમાં છોડવડી ગામના ખેડુતોના નામે રૂા.6,21,10,255 કરોડની નાણાકીય ગેરરીતિ આચર્યાનું ખુલતા આ અંગેની ભેંસાણ પોલીસમાં સચીનભાઈ ક્પીલભાઈ મહેતા . અક્ષરધામ સોસાયટી ભેંસાણ વાળાએ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ છોડવડી ગામની જુથ સેવા સહકારી મંડળીના મંત્રી નરેશ સમજુ ગોંડલીયા રે. છોડવડી મંડળીના પ્રમુખ વિઠલ ડાયા પાઘડાર રે. ભેંસાણ અને જેતે વખતના જુનાગઢ જીલ્લા સહકારી બેંકના ભેંસાણ શાખાના મેનેજર રમેશ ડાયા રામાણી રે. અર્થદીપાલી પાર્ક-2 શ્રીદર્શન બંગલો બ્લોક નં.9 જુનાગઢ વાળાઓએ એકબીજાને મદદ કરી જીલ્લા સહકારી બેંકમાંથી 53 ખેડુત સભાસદોને મળવાપાત્ર ધીરાણથી વધારે ધીરાણ આપી રૂા.5,96,13,100 તેમજ 12 સભાસદો ખેડુતોનાશાખ પત્ર મંજુર થયેલ ન હોવા છતા અપ્રમાણીક ઈરાદાથી રૂા.23,87,000નું ગેરકાયદેસર રીતે મંજુર કરી તે ધીરાણ ઉપાડી લઈ આરોપી મંત્રી નરેશ સમજુ ગોંડલીયા
અને પ્રમુખ વિઠલ ડાયા પાઘડારએ તા.30ના ધીરાણ ઉપાડી લઈ તા.3-6-23ના સરવૈયામાં હાથ ઉપર સીલીક રૂા.4,49,36,070 દર્શાવી તથા તા.15-7-23ના સરવૈયામાં હાથ ઉપર સીલક રૂા.3,59,070 દર્શાવી તા.16-9-23ના સરવૈયા તારીખમાં હાથ ઉપર સીલક 1 લાખ 10,155 બતાવી મંડળીના ખોટા હીસાબો બતાવી સાચા હીસાબોમાં ચેડા કર્યાનું સામે આવેલ. આ કામના આરોપીઓએ કુલ 6,21,10,255ની નાણાકીય ગેરરીતિ આચરી યોગ્ય હીસાબો નહીં નિભાવી પોતાના અંગત લાભ માટે ખોટા ધીરાણો જાણી બુજીને મંજુર કરી મંડળીના ચોપડા સાથે ચેડા કરી તેમાં ફેરફાર કરી તેમણે છુપાવેલા રૂા.6,21,10,255ની મોટી રકમની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાતા ભેંસાણ પીએસઆઈ ડી.કે. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.