રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં યાત્રાને લઈ કોંગ્રેસ અને ભાજપ સામસામે, વધુ જાણો

આવતીકાલે મોરબીથી ન્યાય યાત્રા

 
રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં યાત્રાને લઈ કોંગ્રેસ અને ભાજપ સામસામે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં યાત્રાને લઇ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. આવતીકાલથી વિપક્ષ દ્વારા ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. તો બીજી તરફ સરકાર દ્વારા શનિવારથી (10 ઓગસ્ટ) રાજ્યભરમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે. જેમાં કોંગ્રેસની ન્યાય યાત્રા આવતીકાલે મોરબીના દરબાર ગઢથી શરૂ થશે, જે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે. તો સરકારની તિરંગા યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે.


રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર ડી. પી. દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટથી કરવામાં આવનાર છે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ યાત્રાનો રૂટ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ કરી ગાંધીજીની પ્રતિમા જયુબેલી ગાર્ડન સુધી દોઢ કિલોમીટરનો રહેશે. આ યાત્રાના આખા રૂટ પર દર 150 ફૂટના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિના ગીતો તેમજ ડાન્સ સહિતના પર્ફોમન્સ કરવામાં આવશે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા માટે આજે (8 ઓગસ્ટ) રૂટ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અને આખા રૂટ ઉપર શું કરવું? તે માટે જરૂરી માર્ગદર્શન આપી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગઇકાલે રાજકોટના બધા જ પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, સ્કૂલો અને કોલેજો સાથે બેઠક કરી યાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી આપવામાં આવનાર ટેબ્લો પણ યાત્રાના રૂટ પર મુકવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, તિરંગાયાત્રા શરૂ થતા શનિવારથી સમગ્ર રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ જશે, તેમજ હર ઘર તિરંગા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી લોકોને તિરંગા વિતરણ મનપા દ્વારા કરવામાં આવશે. શનિવારે તિરંગા યાત્રામાં આવનાર લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે, હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. હવે રાજ્યના ચાર મોટા શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.


તિરંગાયાત્રાની ઊજવણી અંગે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય 4 મહાનગરમાં મોટાપાયે તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા હાજર રહેશે. સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ જોડાશે. અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજશે. પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે, અલગ-અલગ ટેબ્લો અને બેન્ડ પણ જોડાશે.


છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢવા જઈ રહ્યું છે. મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં શરૂઆતથી અંત સુધી જોડાનારને ન્યાયયાત્રી, પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લાયાત્રી તથા અતિથિયાત્રી પણ હશે.


આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ તેને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.


આ યાત્રા અંગે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી 9 ઓગસ્ટના રોજ ક્રાંતિ દિવસથી અમે શરૂઆત મોરબીથી કરીશું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને સાથે રાખી આ ન્યાયયાત્રા કરવામાં આવશે. મોરબીના ઝૂલતા પુલથી આ યાત્રાની શરૂઆત થશે. રાષ્ટ્રધ્વજ ફરકાવીને યાત્રાનો સવારે 9 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. ત્યાંથી નીકળીને ટંકારા અને ટંકારાથી ગૌરીદડ, રતનપર રોકાશે. 13 ઓગસ્ટે રાજકોટ છોડીને સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે. સુરેન્દ્રનગરથી આ યાત્રા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી ગાંધીનગર પહોંચશે.


યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે. રાજકોટના જ પીડિત પરિવારો નહીં, પરંતુ ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ TRP અગ્નિકાંડ સહિત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે. 100 જેટલા લોકો આ પદયાત્રામાં દરરોજ 20થી 25 કિલોમીટર ચાલીને પદયાત્રા કરશે.


મોરબીથી ગાંધીનગર સુધીની આ ન્યાય પદયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ ન્યાયયાત્રામાં સાથે જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓ પણ સાથે એક દિવસ કોઈ જગ્યાએ જોડાઈ એવી શક્યતા છે. પદયાત્રાનું સ્વાગત દરેક જગ્યાએ થશે, પણ કોઈ જગ્યાએ ઢોલ-નગારાંથી નહીં, પરંતુ સૂતરની આંટી વડે સ્વાગત કરવામાં આવશે.