રિપોર્ટ@રાજકોટ: અગ્નિકાંડને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો, SITના વડાને બદલાવવાની માગ

25 જૂનના રાજકોટ બંધનું એલાન
 
 રિપોર્ટ@રાજકોટ: અગ્નિકાંડને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો, SITના વડાને બદલાવવાની માગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં થોડા દિવસ પહેલા ભયાનક ઘટના ઘટી હતી. આ બનાવામાં 25 લોકોના મોત નીપજ્યા હતા. રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવશે. કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ આ સમયે હાજર રહેશે. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ છે. ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે.


અગ્નિકાંડ બાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં ડેરા તંબુ તાણીને બેઠેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે. તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કે, આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ નિર્દેશ મળતા નથી.


વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહી છે, પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માગ સાથે આજે શનિવારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદન પાઠવાશે અને 25 જૂનના રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.


રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. ગેમ ઝોનની જગ્યા મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં હતા, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં. આ ઘટનામાં સરકારે સત્તાવાર 27 લોકોના મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું અને તમામ મૃતદેહ તેના પરિવારજનોને આપી દીધા હતા.