રિપોર્ટ@પાટણ: સરદાર ચોકમાં બનેલી ભૂગર્ભ ગટરની લાઈનોમાંથી દૂષિત પાણી માર્ગો પર રેલાતું જોવા મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. પાટણ જિલ્લાના હારિજ નગરપાલિકામાં આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 57 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી તેજ બનાવવામાં આવી છે તે જોતાં હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ભારે રસાકસી ભરી બને તેવો માહોલ હારીજમાં જોવા મળી રહ્યો છે.
હારીજ શહેરના મેઇન બજાર વિસ્તારમાં પહોચતા માર્ગો પર ઠેર ઠેર ભૂગર્ભ ગટરનાં ઢાંકણાં તૂટેલાં તેમજ માર્ગો પર ખાડા અને ટ્રાફિકની મહદંશે સમસ્યાઓ નજરે પડી હતી. તો શહેરના નગરપાલિકા નજીકના સરદાર ચોકમાં ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટરની લાઈનોમાંથી દૂષિત પાણી માર્ગો પર રેલાતું જોવા મળ્યું હતું, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સહિત લોકો યાતના ભોગવી રહેલા નજરે પડ્યા હતા.
શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિસ્તારમાં પાર્ટીના સિમ્બોલવાળા ધજા-પતાકા સાથે ઉમેદવારો મતદારોને અપીલ કરતાં બેનરો જોવા મળ્યાં હતાં. સાથે સાથે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વોર્ડ નંબર 6ના સોસાયટી વિસ્તાર સહિત મહોલ્લા-પોળોમાં નાનાં બાળકો સાથે પ્રચાર કરતા જોવા મળ્યાં હતાં.
આ વિસ્તારના રહીશોએ ડિજિટલ ટીમની સમક્ષ વિસ્તારની રોડ-રસ્તા ભૂગર્ભ ગટરની સમસ્યા પીવાના પાણી તેમજ અન્ય પ્રાથમિક જરૂરિયાતોની સમસ્યાઓને લઈને પોતાની હૈયાવરાળ વ્યક્ત કરી હતી. વોડ નંબર 6ના રહીશ વિષ્ણુપ્રસાદ દવેએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નંબર 6માં ગટરની સમસ્યા, પીવાનું પાણી, ખારું પાણી ક્યાંય ડોલમાં નથી આવતું, લોકો ખાડા કરીને પાણી ભરે છે. આ વખતે નવી બોડી આવે તો સારું કામ કરશે એવો વિશ્વાસ છે, પાક્કો ભરોસો છે.
આ બાદ અમારી ટીમે શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા હાઈવે નજીકના ધૂણિયા વિસ્તારમાં પ્રવેશ કરતા ભૂગર્ભ ગટરની કામગીરી માટે સિમેન્ટની પાઇપો માર્ગો પર પડેલી જોવા મળી હતી. તો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ આ વિસ્તારમાં જોવા મળ્યું હતું. તો આ વિસ્તારના કેટલાક રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું, નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ વિસ્તારની મુલાકાતે આવે છે, પરંતુ ત્યારબાદ એક પણ નેતા મુલાકાતે ન આવતા હોય જેના કારણે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવી શકતું નથી. વિસ્તારમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંદકીમાં વિસ્તારના રહીશો સહિત આંગણવાડીનાં બાળકોને પસાર થવાની ફરજ પડે છે, જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ ઊભી થવા પામી છે. તો આ વિસ્તારમાં ગંદકીને લઈને બીમારીમાં સપડાયેલી એક માસૂમ બાળકી તેમજ એક વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું પણ વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યા હતાં.
ધૂણિયા વિસ્તારના રહીશ લાલાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, વોટ લેવાનો એટલે સફાઈ કરવા આવે પછી જોવા પણ આવતા નથી. ચૂંટણી આવી છે એટલે છેલ્લા 10 દિવસથી સારું છે. કલેક્ટર હારીજમાં આવે તો આખું હારીજ સાફ કરી નાખે પછી કંઈ નહીં, પછી જૈસે થે તેવી પરિસ્થિતિ..એટલે સરકાર ઘડીક વાર ટૂંક સમય માટે જાગી છે, પછી સૂઈ જશે અને અમને બધાને ઊંઘની ગોળી આપી દેશે. આ લોકોનો ધંધો જ આ છે. અમારી સોસાયટીનો વિકાસ કેવો છે એ જોવો હોય તો ચોમાસામાં આવજો ખબર પડી જશે. ચોમાસામાં લાશ લઇને પણ નીકળી નથી શકાતું. પાલિકામાં જઈ જઈને થાક્યા હવે એમને જે કરવું હોય એ કરે..
ધૂણિયા વિસ્તારના અન્ય એક રહીશ મુકેશભાઈએ જણાવ્યું હતું કે, નગરપાલિકાને સફાઈ કરવાનું કહીએ તો કહે કે ગાડીનું બકેટ ભાગી ગયું છે, ઓઈલ નથી, ગાડીની બ્રેક નથી લાગતી, ગવંડર ફેલ છે અને પાઇપ તૂટી ગઈ છે. વેરા ભરવા છતાંય સુવિધા મળતી નથી, અમને બહાનાં બતાવે છે. ગામની ચૂંટણી છે એટલે મોઢાં જોઈને વોટ આપવો પડે, અમે રાજકારણમાં ઊતરતા નથી મોઢા જોઈને અને માણસ જોઈને વોટ આપીએ છીએ.
વાત કરતાં મધુબેન જણાવે છે કે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગંદકી પડી છે. અમે આવી ગંદકીમાં કઇ રીતના રહીએ છીએ એ અમને જ ખબર છે. અમારાં બાળબચ્ચા બીમાર થાય, મોટા બીમાર થાય છે. વોટ લેવા આવે છે પછી તો જોવા પણ આવતા નથી. અહીંના સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, મુખ્ય ગટર, પાણીની સમસ્યાઓ છે. આ ગંદકીમાં બાળકો આવતા તેમના પગ સડી જાય છે, તંત્ર કઈ કાર્યવહી કરતું નથી. ચૂંટણી આવે એટલે બધા આવે છે. તમારું કરવી દઈશું કહીને જતા રહે છે, પણ એમાંનું કંઈ થતું નથી. ગટર, રસ્તા અને પાણીની સમસ્યાનો નિકાલ લાવે બસ બીજું કાંઈ જોઈતું નથી. અન્ય સ્થાનિક વિનોદભાઈ ઠાકોર જણાવે છે કે, અમારે ગટર ઉભરાવની સમસ્યા છે. નગરપાલિકા કે મામલતદાર કોઈ સાંભળતું નથી. કલેક્ટર સુધી અરજી કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. નગરપાલિકાની ચૂંટણી આવી એટલે સૌ હાથ જોડવા આવશે, વોટ લઈને જશે પછી 5 વર્ષ સુધી કોઈ ડોકાશે નહીં.
' આ બાદ અમે વોર્ડ નંબર 1માં પહોંચ્યા તો વોર્ડ 1માં મધ્યમ અને શ્રમિક પરિવારો મોટી સંખ્યામાં રહેઠાણ ધરાવે છે. ઇન્દિરાનગરમાં પીવાના પાણીમાં ગટરનું મિક્સ -પાણી આવવાની બુમરાણ ઊઠી હતી. હાલ ગટરના પાણી ઊભરાવાની, પીવાનું પૂરતું પાણી નહીં મળવાની તેમજ ગંદકીની સમસ્યા કાયમી હોવાનું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે. આ સિવાય કોર્ટની પાછળનો દેવીપૂજક વિસ્તાર, રાવળવાસ તેમજ ખેમાસર વિસ્તારમાં પણ કાયમી ગટરો ઊભરાવાની સમસ્યા અંગે લોકોમાં રોષ છે.
વોર્ડ 2માં હાઇવેની સોસાયટીઓમાં પાણીની મુખ્ય સમસ્યા હતી પણ ચૂંટણીનું જાહેરનામું પડતાંની સાથે તંત્રએ પાણી રેગ્યુલર આપવાનું શરૂ કર્યું હોવાનું મધુવન અને શિવશક્તિ સોસાયટીના રહીશો જણાવી રહ્યા હતા. આ સિવાય હાઈવે પરની સોસાયટીઓ ધરાવતો છેવાડાનો વિસ્તાર હોઈ સીસીટીવી કેમેરા રેગ્યુલર ચાલુ થાય અને મીઠું પાણી ઘેર ઘેર આવે તેમજ ગામ તળાવ લાઈટ રોશનીથી રમણીય બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
હારીજ નગરપાલિકા ખાતે પહોંચી હતી, જ્યાં પાલિકા પ્રમુખની ચેમ્બરની બાજુની ચેમ્બરમાં જ અસહ્ય ગંદકી સાથે દીવાલો પર પાનની પિચકારીઓ મારેલી જોવા મળી હતી. તો પાલિકાની ઓફિસ પણ ન ધણિયાતી હોય તેમ ઓફિસમાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર જોવા મળ્યો ન હતો. હારીજ શહેરની સમસ્યાને નિવારવા હારીજ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હારીજ શહેરમાં છાસવારે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા કાયમી દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા એક પમ્પિંગ સ્ટેશનની જગ્યાએ ત્રણ પમ્પિંગ સ્ટેશન કાર્યરત બનાવવા જોઈએ જેથી શહેરીજનોની મહત્ત્વની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. જોકે તેઓએ હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષોએ એકબીજા સમાજના જ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી હારીજમા જ્ઞાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.