રિપોર્ટ@વડોદરા: VMCના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કાયમી કરવાની માંગનાં કારણે મોરચો માંડ્યો

કમિશનરે આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ કર્મચારીઓએ રસ્તો ન આપતા તેઓને ચાલતા જવાની ફરજ પડી હતી. કર્મચારીઓએ માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
રિપોર્ટ@વડોદરા: VMCના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કાયમી કરવાની માંગનાં કારણે મોરચો માંડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર વિવાદની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આજે પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડયો હતો. સાંજે કમિશનર ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કર્મચારીઓએ તેમની ગાડીનો ઘેરાવ કરી ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કર્યા હતા. કમિશનરે આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ કર્મચારીઓએ રસ્તો ન આપતા તેઓને ચાલતા જવાની ફરજ પડી હતી. કર્મચારીઓએ માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા.

એક સપ્તાહ પૂર્વે SC-ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે મોરચો માંડયો હતો અને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ, કર્મચારીઓનો પ્રશ્ન હલ ન‌ થતા આજે પુનઃ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કમિશનર કચેરી ખાતે મોરચો માંડયો હતો. કર્મચારીઓ કમિશનર ઓફિસમાં ધસી ન જાય તે માટે પાલિકા સિક્યુરિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેટ બંધ કરી દેવામાં આવતા આ ગેટથી અવરજવર કરતા અન્ય અધિકારીઓને બીજા ગેટથી પોતાની ચેમ્બરમાં જવાની ફરજ પડી હતી.

કાયમી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં કમિશનર કચેરી ઉપર આવી પહોંચેલા કર્મચારીઓ દ્વારા હમારી માંગે પુરી કરો, કર્મચારી સંગઠન જિંદાબાદના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. આક્રમક બનેલા કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સાંજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાની ગાડીમાં ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કર્મચારીઓએ પોલીસની હાજરીમાં તેમની ગાડીનો ઘેરાવ કર્યો હતો. કમિશનરને ગાડીમાંથી બહાર આવી આવેદનપત્ર સ્વીકારવાની ફરજ પડી હતી. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ કર્મચારીઓએ પોલીસની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરનો રસ્તો રોક્યો હતો.

આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ભાજપ કોર્પોરેટર જયશ્રી સોલંકીના પતિ અને SC-ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકી પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, અશ્વિન સોલંકીનું આવેદનપત્ર સ્વીકાર્યું છતાં કોર્પોરેશનને લીધું બાનમાં લીધું છે. બાબા સાહેબ આંબેડકરનું મારા દ્વારા અપમાન કરાયા હોવાનો અશ્વિન સોલંકીએ ખોટો મુદ્દો બનાવ્યો છે. અશ્વિન સોલંકીએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓને ઉશ્કેરી ગેરમાર્ગે દોર્યા છે. મારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો, મને ચાલતા બહાર નીકળવું પડ્યું, મારી ગાડી ન આવવા દીધી. રોડ પરનો ટ્રાફિક પણ અશ્વિન સોલંકીએ અવરોધ્યો છે. નિયમ પ્રમાણે ભરતી કે બઢતીની પ્રક્રિયા થશે. કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં ન થઈ હોય તેટલી ભરતી અને એક વર્ષમાં કરી છે.