રિપોર્ટ@દાહોદ: PM આવાસ યોજનાનો લાભ લેવા માટે પાકાં મકાનો કાચાં કરી નાખ્યાં
યોજનાનો લાભ લેવા પાકાં મકાનો પર છાણનું લીંપણ, તાડપત્રી બાંધી કાચાં બતાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
PM આવાસ યોજનાનાં કારણે કેટલાક ગરીબ લોકોને ઘરની સુવિધા મળી રહ્યા છે. આ યોજનાનો લાભ અત્યાર સુધી લાખો લોકોએ લીધો હતો. : PM આવાસ યોજનાનો લાભ લેવા માટે પાકાં મકાનો કાચાં કરી નાખ્યાં. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સરવેની કામગીરી ચાલી રહી છે. ગરીબો આવાસથી વંચિત ન રહે માટે સરવે કરાવાઇ રહ્યો છે. ત્યારે સરવે પુર્ણ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં ગરીબોને જ બાજુ પર મૂકીને પાકા મકાનો પર છાંણ અને માટીનું લીપણ કરાઇ રહ્યું છે. એટલું જ નહિં પણ ઢોર બાંધવાની ગમાણ ફરતે તાડપત્રી બાંધીને તેનો પણ કાચા મકાનોમાં સમાવેશ કરાયો હોવાની સ્ફોટક માહિતી સામે આવી છે. જયારે જરૂરિયાતમંદો આ યોજનાના લાભથી વંચિત રહ્યા હોવાની પણ બુમ ઊઠી છે.
સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ કાચા મકાનો ધરાવતા લાભાર્થીઓને આવાસની સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે.પરંતુ આવાસનો લાભ આપવા માટે અહીં કાચાં મકાનોના ફોટો પાડવાના સ્થાને પાકાં મકાનોના ફોટો પાડીને સરવે કરાઇ રહ્યો છે. આ મકાનોને કાચા બતાવવા માટે તેની દીવાલો ઉપર છાણ અને માટીનું લીપણ કરાઇ રહ્યુ છે. આ સાથે ઢોરો બાંધવાની ગમાણ ફરતે તાડપત્રી બાંધીને તેનો પણ કાચા મકાન તરીકે સરવે કરાઇ રહ્યુ હોવાની સ્ફોટક બાબત સામે આવી છે.
આ બાબતનો વિરોધ નહીં કરીને લોકો પણ વિવિધ કળ વાપરીને લાભ લેવા માટે પોતાના પાકા મકાનોના ફોટો પડાવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સરવેયરો સાથે સરપંચ પોતાના અંગત માણસો મોકલી પોતાના જ માણસોને લાભ આપવા માટે પાકા મકાનોમાં ફોટા પડાવ્યા હોવાનો આક્ષેપ થયા છે.
આ સાથે કેટલીક પંચાયતોમાં ફોટા પાડનાર નાણાકિય માગણી પણ કરતાં હોવાની બૂમો ઉઠી રહી છે. આમ ખરેખર હાલ તો લોકોને આવાસ નો લાભ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ સરકારના નિયમ મુજબ સર્વે કરવામાં આવતો નથી. જેથી સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહે અને લાગવગ ધરાવતા લોકો આનો લાભ લઈ અને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.