રિપોર્ટ@દાહોદ: શૌચાલય કૌભાંડના આરોપી TDO રાઠવાની બદલી અબજોની ગ્રાન્ટવાળા સ્થળે થતાં સૌથી મોટો સવાલ

મંત્રીનો વિસ્તાર હોવાથી ભ્રષ્ટાચાર ચલાવશે નહિ 
 
રિપોર્ટ@દાહોદ: શૌચાલય કૌભાંડના આરોપી TDO રાઠવાની બદલી અબજોની ગ્રાન્ટવાળા સ્થળે થતાં સૌથી મોટો સવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાજ્ય સરકારે તાજેતરમાં અનેક ટીડીઓની બદલી કરી મોટાપાયે વહીવટી ફેરફાર કર્યા છે. જેમાં કેટલાક ટીડીઓ ખુશ તો કેટલાકની અલગ લાગણી હોઈ શકે પરંતુ એક એવી બદલી થઇ કે જેનાથી સૌથી મોટા સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ટીડીઓ રાઠવા વિરુદ્ધ સરકારે જ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં માંડ જામીન મળ્યા અને ગણતરીના મહિનામાં ટીડીઓ રાઠવાની બદલી થઇ. રાજ્ય સરકારે કરેલી બદલીના લિસ્ટમાં ગરૂડેશ્વર ટીડીઓ રાઠવાની બદલી ધાનપુર ટીડીઓ તરીકે કરી છે. આ ધાનપુર તાલુકો મનરેગાની સૌથી વધુ ગ્રાન્ટવાળો છે. એટલે કે ધાનપુર તાલુકામાં મનરેગા હેઠળ વર્ષે અબજો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. હવે સવાલ બન્યો છે કે, શૌચાલય કૌભાંડના આરોપી ટીડીઓ રાઠવા શું અબજોની ગ્રાન્ટવાળા ધાનપુર તાલુકામાં પારદર્શક વહીવટ આપશે ને ? ધાનપુર તાલુકામાં સરકારની અનેકવિધ યોજનાઓ ચાલુ પરંતુ સૌથી વધુ એટલે કે હદપારની ગ્રાન્ટ માત્ર મનરેગા હેઠળ આવે છે. જાણીએ પારદર્શક વહીવટની અગત્યતા અને રાઠવાની બદલીનો સ્પેશિયલ રિપોર્ટ.


નર્મદા અને દાહોદ જિલ્લામાં મોટાપાયે ટીડીઓની બદલી થઇ છે. કેટલાક ટીડીઓ બદલાયા તો કેટલાકને પ્રમોશન મળી ગયા છે. દાહોદ જિલ્લાના ધાનપુર ટીડીઓની બઢતી સાથે બદલી થતાં જગ્યા ખાલી પડી પરંતુ 150થી વધુ ટીડીઓની બદલીનુ લિસ્ટ આવ્યું તો ખબર પડી કે, ધાનપુરને નવા ટીડીઓ મળી ગયા છે. આ નવા ટીડીઓ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા વિકાસ અધિકારી રવચંદભાઇ રાઠવા જે હવે ધાનપુર ટીડીઓ તરીકે મુકાયા છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી સુગમતા અને વહીવટી સરળતા હેઠળ ગણવામાં આવે છે. જોકે હવે સવાલ એ થયો કે, ધાનપુર ટીડીઓ તરીકે આવેલા રવચંદભાઇ રાઠવા વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશને થોડાં મહિના પહેલાં શૌચાલય યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થયેલી છે. ખુદ સરકારે ટીડીઓ રાઠવા વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી પછી સ્થાનિક કોર્ટે આગોતરા જામીન આપતાં ટીડીઓ રાઠવા ફરજ ઉપર આવી ગયા હતા. આ પછી રાઠવાની બદલી અબજો રૂપિયાની ગ્રાન્ટ મેળવતાં ધાનપુર તાલુકામાં થઈ છે. આ ધાનપુર તાલુકામાં તમે કલ્પના ના કરી શકો એટલા મનરેગાના કામો થતાં હોઈ લેબર અને મટીરીયલની અબજો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે આવે છે. હવે સવાલ એ થયો કે, અબજો રૂપિયાની ગ્રાન્ટ મેળવતાં ધાનપુર તાલુકામાં ટીડીઓ રાઠવા સંપૂર્ણ પારદર્શકતા વહીવટ આપશે ને ? કેમકે ધાનપુર તાલુકામાં મનરેગા સહિત તમામ યોજનામાં પારદર્શકતા અગત્યની બની છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીડીઓ રવચંદભાઇ રાઠવા પારદર્શક વહીવટમાં નિષ્ણાત હોઈ શકે પરંતુ જે રીતે શૌચાલય કૌભાંડમાં ટીડીઓ રાઠવા આરોપી બન્યાં અને ખુદ નર્મદા જિલ્લાના નિયામકે જ ફરિયાદ નોંધાવી એટલે સ્વાભાવિક રીતે ગંભીર સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં ધાનપુર તાલુકામાં આવેલાં ટીડીઓ રાઠવા શું ડીઆરડીએની તમામ યોજનામાં પારદર્શક, સરકારના હિતમાં, જોગવાઈ મુજબ વહીવટ આપશે ને ? આ સવાલ ચર્ચાસ્પદ બન્યો છે.

મંત્રીનો વિસ્તાર હોવાથી ભ્રષ્ટાચાર ચલાવશે નહિ 


દેવગઢબારિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ છે અને આ મત વિસ્તારમાં ધાનપુર તાલુકાનો પણ સમાવેશ થાય છે. એટલે આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી બચુભાઇ ખાબડ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર ચલાવી નથી તેમજ જિલ્લા પંચાયતની કોઈપણ યોજના પારદર્શક રીતે લાભાર્થી સુધી પહોંચે તેવી સુચના ડીડીઓ અને પ્રમુખને આપેલી હોવાથી હવે આગામી દિવસોમાં ધાનપુર ટીડીઓ રાઠવા કેટલા પ્રમાણમાં પારદર્શક વહીવટ આપે છે તેનો ખ્યાલ આવશે.