રિપોર્ટ@દેશ: સંભલ જઈ રહેલા 10 નેતાઓની પોલીસે અટકાયત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સપાના પ્રતિનિધિ મંડળે સંભલ જવાની જાહેરાત કરી છે. જેમાં વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડે, 5 સાંસદો અને 4 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ શનિવારે સવારે લખનઉમાં વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેના ઘરની બહાર પોલીસ તહેનાત કરવામાં આવી હતી. આ તરફ સપાએ દાવો કર્યો કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્યામ લાલ પાલને નજરકેદ કરવામાં આવ્યા છે.
મુરાદાબાદમાં પોલીસે સપા ધારાસભ્ય પિંક યાદવ સહિત 10 નેતાઓને કસ્ટડીમાં લીધા છે. તેમજ, બરેલીમાં 100થી વધુ સપા કાર્યકરો પકડાયા હતા. પોલીસે કૈરાનાના સાંસદ ઇકરા હસનને હાપુડમાં રોક્યા હતા. આ તમામ પોલીસને ચકમો આપીને સંભલ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
લખનઉમાં વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડે ઘરની બહાર નીકળ્યા અને કારમાં બેસી ગયા હતા, પરંતુ પોલીસે તેમને ઘરે પાછા મોકલી દીધા. નારાજ માતા પ્રસાદે કહ્યું- અમે કોઈને ઉશ્કેરતા નથી. કોઈપણ સૂચના વિના તેઓએ મારા ઘરે પોલીસ તહેનાત કરી છે. મુરાદાબાદના કમિશ્નર અંજનેય સિંહે કહ્યું- હવે વાતાવરણ શાંત છે. જવાબદાર હોદ્દા પર રહેલા લોકોએ અમારી વાત માનવી જોઈએ.
સંભલમાં કલમ 163 લાગુ કરી છે. એટલે કે, હવે 5 લોકો મંજુરી વિના એકઠા થઈ શકશે નહીં. અગાઉ, ડીએમએ 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. શુક્રવારની નમાજ બાદ ઈન્ટરનેટ સેવા શાંતિપૂર્ણ રીતે ફરીથી શરુ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં સંભલ કેસની સુનાવણી પણ થઈ હતી. CJI બેન્ચે આદેશ આપ્યો કે મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં આવશે નહીં. ટ્રાયલ કોર્ટને 8 જાન્યુઆરી સુધી કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું.