રિપોર્ટ@ગુજરાત: ગરમીમાં ભક્તો ચાલીને ડાકોર પહોંચ્યા, જાણો વધુ વિગતે

દ્વારકાથી ભગવાન કૃષ્ણ ડાકોરમાં આવીને બિરાજ્યા ને રણછોડરાયના નામથી પૂજાયા.
 
રિપોર્ટ@ગુજરાત: ગરમીમાં ભક્તો ચાલીને ડાકોર પહોંચ્યા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભક્તો હોળીના દિવસે ફાગણની પૂનમ ભરવા ચાલીને ડાકોર પહોંચે છે. રણછોડરાયજીનાં ચરણોમાં શીશ ઝુકાવે છે. ગમે તેટલો આકરો તાપ હોય. કાળઝાળ ગરમીમાં શરીરનું પાણી પરસેવાથી બહાર નીકળી જાય, એક તબક્કે તો સખત પગ દુખવા લાગે. છતાં 'જય રણછોડ'નો નાદ ભક્તોને ઠંડક આપે, શરીરમાં ઊર્જા આપે ને લાંબું અંતર ફટાફટ કપાઈ જાય.

869 વર્ષ પહેલાં દ્વારકાથી ભગવાન કૃષ્ણ ડાકોરમાં આવીને બિરાજ્યા ને રણછોડરાયના નામથી પૂજાયા. કૃષ્ણના દરબારમાં દરેક પૂનમ ભરવાનું મહત્ત્વ છે પણ ફાગણની પૂનમ ખૂબ મહત્ત્વની છે અને આ પૂનમે જે ભક્તો પદયાત્રા કરીને તીર્થક્ષેત્રોમાં પહોંચે છે તો તેમને અનેક જન્મોનું પુણ્યકર્મ મળે છે. હોળીની જ્વાળામાં પાપ બળી જાય છે અને મહાકુંભના સ્નાન જેટલું પુણ્ય મળે છે. જ્યાં જ્યાં કૃષ્ણ બિરાજમાન છે ત્યાં ત્યાં ફાગણની પૂનમે ભક્તો ચાલીને પહોંચે છે. પછી એ મથુરા હોય, દ્વારકા હોય કે ડાકોર.વાતચીત આગળ વધારીએ તે પહેલાં એ જાણીએ કે ફાગણની પૂનમે કૃષ્ણના દરબારમાં હાજરી આપવાનું મહત્ત્વ શું છે.

એક લોકવાયકા છે કે દ્વાપર યુગમાં એક દિવસ, બાળકૃષ્ણે પોતાની માતા યશોદાને પૂછ્યું કે રાધા આટલી ગોરી કેમ છે અને પોતે આટલા કાળા કેમ છે? માતા યશોદાએ તેમને કહ્યું કે તે રાધાના ચહેરા પર કોઈપણ રંગ લગાવી શકે છે અને તેમને કોઈપણ રંગે રંગી શકે છે. બાલકૃષ્ણે રાધાને રંગ લગાવ્યો અને રાધાએ પણ બાલકૃષ્ણને રંગ લગાવ્યો. આ રીતે, વ્રજમાં રંગો રમવાની પરંપરા શરૂ થઈ. આજે પણ મથુરા, વૃંદાવન, બરસાના, ગોકુળ, દ્વારકા અને ડાકોરમાં હોળી એક અધ્યાત્મિક ભાવ સાથે મનાવાય છે.

અમદાવાદથી મહેમદાવાદના રસ્તે ડાકોર તરફ જવા નીકળી. રસ્તામાં પદયાત્રિકો ચાલીને જઈ રહ્યા હતા. બપોરે બે વાગ્યાનો સમય હતો. સૂરજદાદા આક્રમક રીતે તાપ વરસાવતા હતા. જે તડકામાં 15 મિનિટ ઊભા પણ ન રહી શકાય તેવા તડકામાં ભાવિકો ઉત્સાહથી ચાલીને ડાકોર તરફ જઈ રહ્યા હતા.

પદયાત્રિકોને ગરમીમાં ચાલતા જઈને ત્યાંથી વાહનોમાં પસાર થતા દરેકના મનમાં સવાલ તો થાય જ કે, આ લોકો આટલી ગરમીમાં કેવી રીતે ચાલીને જઈ શકતા હશે? આ સવાલનો જવાબ આસ્થામાં છે, શ્રદ્ધામાં છે, ભક્તિમાં છે.