રિપોર્ટ@ગાંધીનગર: માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, જાણો વધુ વિગતે

હજારો કિલો ઘીનો અભિષેક કરાતાં રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
 
 રિપોર્ટ@ગાંધીનગર: માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નાવમાં નોરતે માતાજીની પલ્લી ભરવાની પરંપરા હોય છે. ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી ભરવાની પાંડવકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. રૂપાલ ગામમાં નવમા નોરતાની રાત્રે માતાજીની પલ્લી ભરવામાં આવી હતી, જેમાં ભક્તો દ્વારા હજારો કિલો ઘીનો અભિષેક કરાતાં રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.

શ્રદ્ધાળુઓ બાળકો માટે વરદાયિની માતાજીની માનતા રાખતા હોય છે, જે પૂર્ણ કરવા માટે નવમા નોરતાની રાત્રે પલ્લી પર ઘીનો અભિષેક કરી માનતા પૂર્ણ કરતા હોય છે.

રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ, આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી નીકળી હતી, જેમાં ભક્તો દ્વારા માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. રૂપાલ ગામમાં પલ્લી નીકળી ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. ભક્તોની ભીડ વચ્ચે વરદાયિની માતાના જયઘોષથી ગગન ગુંજી ઊઠ્યું હતું. પલ્લીની ખાસ વિશેષતાઓમાં ઘીના અભિષેકનું મહત્ત્વ છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા લાખો લિટર ઘી પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. માનતામાં માનેલું ઘી પલ્લી પર ચઢાવવામાં આવે છે. રૂપાલ ગામમાં 27 ચકલા પર પલ્લી ઊભી કરીને એના પર ઘી ચડાવે છે. જ્યાંથી પલ્લી પસાર થાય ત્યાં ઘીની નદીઓ વહેચી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે.

પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.

પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. એમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ, ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.

પાંડવકાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયિની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથા જોડાયેલી છે. વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી​​​​​ ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયિની માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી પ્રાર્થના કરી હતી. આથી શ્રી વરદાયિની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રીરામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રીરામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો.

પાંડવકાળની વાત કરવામા આવે તો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે.

પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યાં હોય, તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે, એટલે એના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથાં ટેકવાય છે.