રિપોર્ટ@અમદાવાદ: નારણપુરા વિસ્તારમાંથી 25.68 લાખના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નારણપુરાના એક ફ્લેટમાં ડ્રગ્સની સિન્ડિકેટને 25.68 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ડ્રગ્સ-માફિયાઓની સંડોવણીની આશંકા છે. પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના છ સભ્યની ધરપકડ કરી લીધી છે.SOGની ટીમને બાતમી મળી હતી કે ફતેહવાડી વિસ્તારમાં આવેલો મુસ્તકીમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. તેણે મધ્યપ્રદશમાં રહેતા મોહંમદ ખાન નામના શખસ પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો છે. મોહંમદ ખાન, મુસ્તકીમ સહિતના લોકો નારણપુરા ખાતે આવેલી એલિફન્ટા સોસાયટીમાં એમડી ડ્રગ્સનો જથ્થાની લેવડદેવડ કરવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમ એલિફન્ટા સોસાયટીમાં પહોંચી હતી, જ્યાં જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં રેડ કરી હતી. જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં મોહંમદ ખાન, મુસ્તકીમ ઉર્ફે ભૂરો, ધ્રુવ પટેલ, મોહંમદ એઝાજ શેખ, અબરારખાન પઠાણ હાજર હતા. એસઓજીએ તમામને કોર્ડન કરી લીધા હતા અને તેમની અંગઝડતી કરી હતી. તમામ પાસેથી એસઓજીની ટીમને સફેદ પાઉડર મળ્યો હતો.
SOGને એક સ્કોર્પિયો કાર પણ મળી આવી હતી. જેની તપાસ કરતા તેમાંથી પણ સફેદ પાઉડર મળી આવ્યો હતો. SOGએ તરત જ એફએસએલની ટીમને જાણ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સફેદ પાઉડરનું પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. SOGએ જિજ્ઞેશ પંડ્યા, મોહંમદ ખાન, મુસ્તકીમ, ધ્રુવ પટેલ, મોહંમદ એઝાજ, અબરારખાન પઠાણની ધરપકડ કરી હતી. તમામની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ડ્રગ્સ-માફિયા સમીર પાસેથી જથ્થો લાવ્યા હતા. એસઓજીએ તમામ પાસેથી 25.68 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ત્રણ લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે.
મુસ્તકીમ અને મોહંમદ ખાન તમામને કમિશન આપતો હતો. ડ્રગ્સ વેચવા માટે મુસ્તકીમ અને મોહંમદ ખાને પોતાની સિન્ડિકેટ બનાવી હતી, જેમાં તેમણે કમિશન એજન્ટ તરીકે કેટલાક લોકોની નિમણૂક કરી હતી. જિજ્ઞેશ પંડ્યા, ધ્રુવ પટેલ, મોહંમદ એઝાજ, અબરારખાન પઠાણ સિન્ડિકેટના મેમ્બર હતા. તમામને મુસ્તકીમ અને મોહંમદ ખાને કમિશન આપવાની વાત કરી હતી. ઊંચું કમિશન મળતાં ચારેય યુવકો ડ્રગ્સ સિન્ડિકેટના મેમ્બર બની ગયા હતા. એસઓજીએ ફ્લેટમાં ઓપરેશન પાર પાડીને 25.68 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
જિજ્ઞેશ પંડ઼્યા એકલો રહેતો હતો અને તે દારૂ અને ગાંજાનો વ્યસની થઈ ગયો હતો, જેથી તે હમણાં હમણાં ડ્રગ્સની લતે ચડ્યો હોવાથી પેડલરોના સંપર્કમાં આવ્યો હતો. અગાઉ ત્રણ વખત પણ ડ્રગ્સ પાર્ટી કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જિજ્ઞેશ પંડ્યા અનેકવાર પોતાનું ઘર પાર્ટી માટે ભાડે આપતો હતો.
ઉલ્લેખનીય છે કે નશામાં ગુજરાત કે પછી ઊડતા ગુજરાત આ વાત કહેવી ખોટી નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના ખૂણે ખૂણે ડ્રગ્સનો કારોબાર એટલો બધો વધી ગયો છે, જેના કારણે યુવા પેઢી નશાના રવાડે ચડી રહી છે. ગુજરાતના દરિયાઈ રસ્તાનો ઉપયોગ કરીને પાકિસ્તાનીઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે. ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ડ્રગ્સ-માફિયાઓએ પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધું છે, જેનો હિસ્સો એજ્યુકેટેડ લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયાં છે કે હવે ડ્રગ્સ-માફિયાઓને ફાવતું મળી ગયું છે. ડ્રગ્સ-માફિયાને તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે.