રિપોર્ટ@નવસારી: રેલ્વે ઓવરબ્રિજ પર અર્ટિગા ચાલકે એક્ટિવા પર જઈ રહેલા યુવકને ટક્કર મારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બીલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક્ટિવાસવાર બે પૈકી એક યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ છે. અકસ્માતની આ ગંભીર ઘટનાના હચમાચવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે.
અકસ્માતની આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, બીલીમોરાના મોરલી ગામનો ધ્રુવિક પટેલ પોતાનું એક્ટિવા લઇને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગતરાત્રે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર ટક્કર મારી હતી. સામે આવેલા સીસીટીવીમાં જોઇ શકાય છે કે આ ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવાની પાછળ બેઠેલો યુવક હવામાં દડાની જેમ પાંચ ફૂટ ઊછળીને રોડ પર ફંગોળાયો હતો. અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
આ ગંભીર અકસ્માતમાં બંને યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધ્રુવિક પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા અને અકસ્માતમાં દડાની જેમ ફંગોળાયેલા ધ્રુવિક પટેલના મિત્રની હાલ સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી બંને વાહન કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતની આ ગંભીર ઘટનામાં સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે રેલવે ઓવરબ્રિજ પર એક એક્ટિવા પસાર થાય છે, ત્યારે સામેથી આવતી કારની લાઇટ દેખાય છે. એ બાદ એની પાછળ તરત એક એક્ટિવા આવે છે. દરમિયાન સામેથી પૂરપાટ આવતીકાર થોડી આગળ આવે છે. સામેથી કાર અને આ તરફથી એક્ટિવા બંને સ્પિીમાં જોવા મળે છે. એમની ટક્કર થતાં એક્ટિવાની પાછળ બેઠેલો યુવક હવામાં ફંગોળાઇને પાંચ ફૂટ જેટલો દુર જઇને પટકાય છે. જ્યારે એક્ટિવાચાલક યુવક ત્યાં જ આગળના ભાગે પડી જાય છે. આ બાદ લોકો એકઠા થાય છે અને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરે છે.