રિપોર્ટ@અમદાવાદ: નકલી પોલીસે યુવક પાસેથી 50 હજાર પડાવી લીધા, વિગતે જાણો

આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો છે.
 
રિપોર્ટ@અમદાવાદ: યુવક પાસેથી નકલી પોલીસે 50 હજાર પડાવી લીધા, વિગતે જાણો 

અટલ  સમાચાર ડોટ કોમ,  ડેસ્ક

રાજ્યમાં લુંટના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી લુંટના બનાવ સામે આવતા હોય છે. નરોડા વિસ્તારમાં એક યુવક ગેસ્ટ હાઉસમાંથી નીકળીને તેની ઓફિસે જતો હતો ત્યારે શહેરકોટડાની હદમાં આવેલા મેમ્કો પાસે તેને ચારેક શખ્સોએ પોલીસની ઓળખ આપીને રોક્યો હતો. ખોટા કામ કરવા બદલ ઘરે જાણ કરવી પડશે તેમ કહીને શખ્સોએ ડરાવી ધમકાવીને લાફા માર્યા હતા. બાદમાં આ શખ્સો યુવક પાસેથી 1.69 લાખની રકમ માગી હતી. યુવક પાસે પૈસા ન હોવાથી તેને એટીએમમાં લઇ જઇને 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો છે.

ચાંદલોડિયામાં રહેતા પ્રદીપભાઇ ભાટિયા લાલ દરવાજા ખાતે આવેલી એક ફાઇનાન્સ સર્વિસમાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગત તા. 18મીએ સાંજે પ્રદીપભાઇ નરોડા ખાતેના ગગન ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ત્યાંથી નીકળીને ઓફિસે જતા હતા ત્યારે મેમ્કો ચાર રસ્તાથી આગળ બે બાઇક પર ચાર શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ પોલીસની ઓળખ આપીને પ્રદીપભાઇનું એક્ટિવા સાઇડમાં કરાવીને તમે ગેસ્ટ હાઉસમાંથી ખોટું કામ કરીને ક્યાં જાવ છો તેમ કહીને બોલાચાલી ઝઘડો કર્યો હતો. ગેસ્ટ હાઉસમાં તમે ખરાબ કામ કરવા જાવ છો જે બાબતે ઘરે જાણ કરવાની ધમકી આપતા પ્રદીપભાઇ ડરી ગયા હતા. આ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને તેમની પાસે રૂપિયા 1.69 લાખની માગણી કરી હતી. પ્રદીપભાઇ પાસે તે સમયે આટલા નાણાં ન હોવાથી આ શખ્સો તેમને ગાળો બોલવા લાગ્યા હતા અને એક શખ્સે તો તેમને લાફા માર્યા હતા.

બાદમાં આ શખ્સો તેમને કૃષ્ણનગર ખાતે સરદારચોક પાસેના એક એટીએમ ખાતે લઇ ગયા હતા. જ્યાં એટીએમમાંથી 40 હજાર કઢાવી પ્રદીપભાઇ પાસેના 10 હજાર મળી કુલ 50 હજાર પડાવી લીધા હતા. ઘટના બાદ પ્રદીપભાઇ ડરી ગયા હોવાથી તેમણે એક અઠવાડિયા બાદ આ મામલે પોલીસને જાણ કરતા શહેરકોટડા પોલીસે ગુનો નોંધી કેટલાક શકમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.