રિપોર્ટ@ગુજરાત: વાવાઝોડાના કારણે ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન

ખેડૂતને પારાવાર નુકસાન'
 
રિપોર્ટ@ગુજરાત: વાવાઝોડાના કારણે ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એમાં ખાસ કરીને કેરીના પાકનો સોથ વળી ગયો છે. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વખતે આમેય ઉત્પાદન ઓછું હતું અને ઉપરથી ગઇકાલે ભારે પવન સાથે વરસાદ આવતાં હવે પાછળ કંઈ બચ્યું જ નથી.


જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં ગત મોડીરાત્રે આવેલા ભારે પવન સાથેના વરસાદથી પારાવાર નુકસાની થઇ છે, જેમાં ખાસ કરીને કેરીના વેપારીઓ અને ઈજારેદારોને લાખોનું નુકસાન થયું છે. એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરી ઓછી આવી છે. એમાં પણ ગઈકાલે ભારે પવન ફૂંકાતાં મોટા ભાગની કેરીઓ ખરી પડતાં ખેડૂતો અને ઈજારેદારોને નુકસાન થયું છે. એને લઈ આંબાના બગીચાધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માગ કરી રહ્યા છે.


જૂનાગઢના ખેડૂત નાગજીભાઈ ધોરાજિયાએ જણાવ્યું હતું કે ગતરાત્રિના ત્રણથી ચાર કલાક ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે કેરી સંપૂર્ણપણે ખરી ગઈ છે તેમજ કેળાં-પપૈયાંના બગીચાઓમાં પણ ભારે નુકસાન થયું છે. ખેતરમાં વાવેલાં ફૂલ અને અન્ય પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. ઘણાં ખેતરોમાં વાવેલી લીંબુડીઓના ઝાડમાંથી લીંબુ પણ સંપૂર્ણ રીતે ખરી ગયા છે. ભારે પવનના કારણે બાગાયત ખેતીના બગીચાઓમાં 90થી 95 ટકા જેટલું ભારે નુકસાન થયું છે. ખેડૂત નાગજીભાઈ ધોરાજિયાએ વધુ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે સરકાર ખેડૂતો માટે 60થી 70% સબસિડી જાહેર કરે એવી વિનંતી છે. અચાનક આવી પરિસ્થિતિ ઉદ્ભવતાં ખેડૂતો સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયા છે અને વાવેતર પણ દર વર્ષે ઘટતું જાય છે, કારણ કે દર વખતે આવતી કુદરતી આફતના કારણે ખેડૂતને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.


ઈજારેદાર અલ્ફેઝ નારેજાએ જણાવ્યું હતું કે અમે કેરીના ઇજારા રાખી કેરીનો વેપાર કરીએ છીએ. દર વર્ષ કરતાં આ વર્ષે માત્ર 40% જેટલો જ કેરીનો પાક બગીચાઓમાં હતો. પહેલેથી જ બગીચાઓમાં કેરી ઓછી હતી. ત્યારે ગઈકાલે રાત્રે જે ભારે પવન અને વાવાઝોડું આવ્યાં એમાં બગીચાઓમાં કેરી સંપૂર્ણપણે ખરી ગઈ છે. જેના કારણે અમારે ખૂબ મોટું નુકસાન થયું છે. આ વર્ષે જે ઈજારેદારોએ બગીચા રાખ્યા છે એમાં ખૂબ મોટું નુકસાન થયું છે. અચાનક આવેલી આ પરિસ્થિતિમાં સરકાર સહાય કરે એવી માગ છે.


આ તરફ નવસારી જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ માસના બીજા તબક્કામાં કેરી માર્કેટમાં ઠલવવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આ વર્ષે માત્ર 30થી 50% કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. એવામાં ગઈકાલે નવસારી જિલ્લાના વાંસદામાં વરસેલા માવઠાને કારણે કેરીના પાકનો સોથ વળી ગયો છે.


નવસારીના પિનાકિન પટેલ નામના ખેડૂત જણાવે છે, આ વર્ષે શરૂઆતની તબક્કામાં વાતાવરણમાં બદલાવ આવવાને કારણસર જે કેરીનો પાક મબલખ આવવો જોઈતો હતો એને જોતાં ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષ શરૂઆતથી એકદમ નબળું છે. વાતાવરણમાં જે પલટા આવ્યા કે શરૂઆતના ટાઈમમાં ઠંડી ઓછી પડી એટલે કે અંકુરણ થવું જોઈએ એ થયું નહીં. વાતાવરણમાં ફેરફાર આવ્યા અને એ કારણસર માટે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષ શરૂઆતથી એકદમ નબળું છે. જો વરસાદ થાય છે એના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે.


નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર વાય.એન ટંડેલે જણાવ્યું હતું કે ખાસ કરીને આંબામાં જોઈએ તો ફેબ્રુઆરી માસમાં જે મોર આવ્યા છે ત્યાર પછી એકદમ જ તાપમાનમાં વધારો થયો, જેને કારણે મોરમાં જે કેરી બેસવી જોઈતી હતી એ બેઠી નહિ. એને કારણે આવતા વર્ષનો કેરીનો પાક પણ મોડો પડવાની શક્યતા છે . બીજું કે તાપમાનમાં જે વધારો છે એને કારણે ફળના જે કદ છે એમાં પણ એ પણ નાનાં રહેવાનાં છે અને એવું પણ કદાચ ભવિષ્યમાં આપણે જોઈશું પણ તાપમાનમાં વધારો થયો છે એ કરી પડવાની શક્યતા છે. જે કેરી ઝાડ ઉપર રહેશે અને થોડાં માવઠાને કારણે એને પાણી મળશે તો એના કદમાં પણ થોડો સુધારો થઈ શકે એમ છે, પણ ફૂગજન્ય રોગ થવાની શક્યતા પણ વધુ છે.


વલસાડ જિલ્લામાં કરાં અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાથી આંબાવાડીઓમાં કેરીના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. એને લઇને વલસાડ ડિઝાસ્ટર મામલતદારે તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે પૂર્ણ થયા બાદ વિસ્તારમાં થયેલી નુકસાનીનું તારણ કાઢવામાં આવશે એમ ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું છે.


કમોસમી વરસાદને કારણે બોટાદ જિલ્લામાં પણ કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આંબા પર આવેલાં કેરીનાં ફળ મોટા પ્રમાણમાં ખરી પડ્યાં છે, જેના કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યા છે. દિલીપભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં મારે કેરીનો મોટો બગીચો છે, જેમાં આંધીના કારણે કંઇ બચ્યું નથી. સરકાર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માગ છે.


અંકલેશ્વર તાલુકા જૂના દીવા ગામે આંબાવાડીમાં હાલમાં આંબાને મોર આવી ગયા હોય ત્યારે વરસાદના કારણે મોર ખરી પડતાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂત જમિયત પટેલએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેરીના પાકમાં માવઠાથી નુકશાન જતા લોકોને કેરી આરોગવી મોંઘી પડે તેવું લાગી રહ્યું છે.