રિપોર્ટ@ગાંધીનગર: પારિવારિક ઝગડામાં પિતાનું હૃદયના ભાગે ધક્કો વાગવાથી મોત નીપજ્યું

9 વિરુદ્ધ ગુનો નોંધાયો

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  ગાંધીનગરમાં રહેતાં સસ્પેન્ડેડ પીએસઆઇના પરણિત ભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાથી તેની પત્નીના મામાઓ સહીતના પારિવારિક સભ્યો તેને સમજાવવા માટે ગઈકાલે સરગાસણ ગામ સાયપ્રસ પ્રમુખના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં એકઠા થયા હતા. આ મુદ્દે થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મારામારી - ઝપાઝપી થઈ હતી. જેમાં સસ્પેન્ડેડ પીએસઆઇના પિતાનું હ્દયનાં ભાગે ધક્કો વાગવાથી મોત નીપજ્યું હતું. આ અંગે ઈન્ફોસિટી પોલીસે મૃતકની પુત્રવધૂ તેમજ તેના ત્રણ મામાઓ સહિત 9 જણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર - 30 પ્લોટ નંબર 427/5, નવદીપ એપાર્ટમેન્ટમાં રહેતા સસ્પેન્ડ પીએસઆઇ શ્યામરાજસિંહ સિદ્ધરાજસિંહ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનાં ભાઈ હરેન્દ્રસિહે ત્રણેક મહિના પહેલા સસરા ભીખુસિંહ પાસેથી લીધેલા એક લાખ તેમજ ત્રણેક તોલા સોનું લીધું હતું. જે મુદ્દે 17 માર્ચે સવારના તેને પત્ની કિંજલ સાથે ઝગડો થયો હતો. બાદમાં સેકટર - 28 ગાર્ડનમાં નોકરી કરતા દીકરા હરેન્દ્રસિહને ટીફીન આપવા માટે સિદ્ધરાજસિંહ ગયા હતા. પરંતુ દીકરો નોકરીએ ગયો નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જે બીજા દિવસે પણ ઘરે આવ્યો ન હતો. જેથી બધા હરેન્દ્રસિહને શોધવા લાગ્યા હતા.

આ દરમ્યાન જાણ થયેલ કે, ઘરેથી ભાગી ગયા પછી હરેન્દ્રસિહ ગોતા ખાતે મકાન ભાડે રાખીને રહી રહ્યો છે. આથી બધા ત્યાં પહોંચતા નિલેશ બઢેલ, જિનલ બઢેલ તેમજ શિલ્પા વિક્રમ ચૌહાણ પણ હાજર હતા. આમ અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવા બાબતે તેમજ પૈસા - સોનાની વાત વિશે પણ સમાધાન કરવા માટે બધા સરગાસણ સાયપ્રસ પ્રમુખ પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં ભેગા થયા હતા.

જ્યાં બંને પક્ષો વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ હતી. જે ઝપાઝપીમાં સિદ્ધરાજસિંહને હ્રદયનાં ભાગે ધક્કો વાગ્યો હતો. અને તેઓ ઢળી પડ્યા હતા. આથી સસ્પેન્ડ પીએસઆઇ શ્યામરાજસિંહ પિતાને લઈને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેઓને અગાઉ હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી. આ અંગે શ્યામરાજસિંહની ફરીયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે કિંજલ અને તેના મામા જશવંતસિંહ જીવનસિંહ વાઘેલા, મહોબતસિંહ જીવનસિંહ વાઘેલા, શક્તિસિંહ જશવંતસિંહ વાઘેલા, મામાનો દીકરો બળવંતસિંહ પ્રભાતસિંહ વાઘેલા, ભાઈ રાહુલસિંહ ભીખુસિંહ રાઠોડ તેમજ નિલેશ બઢેલ, જિનલ બઢેલ તેમજ શિલ્પા વિક્રમ ચૌહાણ વિરુદ્ધ આઇપીસી કલમ 304, 323, 143, 144, 149, 504, 506(2), 120B તેમજ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.