રિપોર્ટ@રાજકોટ: અટલ સરોવર ખાતે પ્રવાસીઓ માટે ફટાકડા ભવ્ય આતશબાજી અને સુંદર લાઇટિંગ કરવામાં આવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના નવા નજરાણા એવા અટલ સરોવર ખાતે પ્રવાસીઓ માટે ફટાકડા ભવ્ય આતશબાજી અને સુંદર લાઇટિંગ કરવામાં આવી હતી. લગભગ અડધો કલાક ચાલેલી આ આતશબાજી માટે કોઈપણ એક્સ્ટ્રા ટિકિટ નહીં હોવાથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. રંગબેરંગી લાઈટોથી અટલ સરોવર ઝગમગી ઊઠ્યું હતું. તો કેટલાક લોકો આ અદભુત નજારો જોવા દીવાલ કૂદી અંદર પ્રવેશતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ક્યુબ કન્સ્ટ્રક્શનનાં બિંદિયાબેને જણાવ્યું હતું કે, હાલ તહેવારના દિવસોમાં બધા લોકો બહારગામ કે વિદેશ ફરવા જઈ શકતા નથી. આવા તમામ લોકો માટે અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં વિદેશના વિવિધ ગાર્ડનમાં હોય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. અહીં આવીને લોકોને જાણે વિદેશમાં આવ્યા હોય તેવો અહેસાસ થાય છે. ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અહીં ભવ્ય આતશબાજી યોજવામાં આવી છે. લગભગ અડધો કલાક ચાલેલી આ આતશબાજીનો 30 હજાર કરતાં વધુ લોકોએ આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ધનતેરસના દિવસે મનપા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા મધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ 1 કલાકની ભવ્ય આતશબાજી યોજાઈ હતી. જેને નિહાળવા પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. જોકે, આ નજારો માણી પ્રભાવિત થયેલા તેમજ માણવાનું ચૂકી ગયેલા લોકો અટલ સરોવર ખાતે ઊમટી પડ્યા હતા અને ભવ્ય આતશબાજીનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો ટિકિટ વિના અટલ સરોવરમાં પ્રવેશવા રેલિંગ કૂદતા પણ જોવા મળ્યા હતા.