રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 3 દિવસમાં ₹5 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે. રાજ્યમાં 3 દિવસમાં ₹5 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. એમાં પણ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ત્રણ દિવસમાં બબ્બે વાર સવા કરોડનો દારૂ ઝડપાયો છે. ગત રાત્રે બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં સવા કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 14 નવેમ્બરે મોડી રાત્રે સપાટો બોલાવતા કડી નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ₹1.38 કરોડનો દારૂ પાઈલોટિંગ કરીને ઘૂસાડાતો હતો.
જ્યારે ગત રાત્રે રવિવારે બાવલુ પોલીસે સવા કરોડનો દારૂ પકડ્યો છે. દલ્લા ગામથી કલ્યાણપુરા જવાના રોડ પર સૂર્ય ફાર્મ સામે કેનાલ નજીક એક ખેતરમાં દારૂનું કટિંગ ચાલતું હતું અને પોલીસે ત્રાટકી હતી.
આ પહેલાં 15 નવેમ્બરે છોટાઉદેપુર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે પાવી જેતપુર નજીક રેલવે ગરનાળા પાસેથી એક સિમેન્ટ ટેન્કરમાંથી ₹2.50 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

