રિપોર્ટ@ગુજરાત: હત્યાના આરોપીના ભાઈનું અપહરણ કરી છરીથી હુમલો કરનાર ચાર શખ્સો ઝડપાયા

પોલીસ તેને પોલીસ મથકે લાવી હતી.
 
રિપોર્ટ@ગુજરાત: હત્યાના આરોપીના ભાઈનું અપહરણ કરી છરીથી હુમલો કરનાર ચાર શખ્સો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

થોરાળા પોલીસની સક્રિયતાથી ફરિયાદી આરોપી બનતાં રહી ગયો13 જેટલા આરોપીઓએ ભવાનીનગરના યુવકનું પહેલાં અમુલ સર્કલ પાસેથી બાઈકમાં અપહરણ કરી જયનાથ પેટ્રોલપંપ પાસે લઈ ગયાં હતાં. જ્યાં પણ તેને ઢોર મારમારી રિક્ષામાં નાંખી નવા થોરળા વિસ્તારમાં લઈ ગયાં હતાં. જ્યાં પણ તેના પર હુમલો કર્યા બાદ જીવણ નામના આરોપીએ પોલીસને બોલાવી તે દારૂના નશામાં અમારી મહિલાની છેડતી કરે છે કહી પોલીસને સોંપ્યો હતો અને તેના પર ફરિયાદ કરવાનું કહેતાં થોરાળા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ ઝણકાંત અને ટીમે યુવાનને સાંભળી બનાવના સીસીટીવી ફૂટેજ ચકાસતા હકીકત સામે આવી હતી અને ફરિયાદી આરોપી બનતાં બચી ગયો હતો.


રામનાથપરામાં રહેતાં અને હત્યાના ગુનામાં આરોપીનો ભાઈ દિનેશ ગોહેલ નામનો યુવક પોતાનું મકાન વેંચવા નીકળ્યો ત્યારે તેનો પીછો કરી રહેલ શખસોએ તેનું અમુલ સર્કલ પાસે મારમારી અપહરણ કરી જયનાથ પેટ્રોલપંપે લઈ ગયા જ્યાં બેફામ ફટકારી નવા થોરાળામાં લઇ ગયા જ્યાં હત્યાનો ભોગ બનનારના પિતા જીવણે છરીથી હુમલો કરી ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

બનાવ અંગે રામનાથપરામાં ભવાનીનગર શેરી નં.2 માં રહેતાં દિનેશભાઇ ઘેલાભાઈ ગોહેલ (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ ચૌહાણ, રોહિત રાઠોડ, હરેશ ખીમસુરીયા, અજય જાદવ, નીખીલ ઉર્ફે નાથો સોલંકી, દેવશી મકવાણા, ધર્મેશ સોલંકી, ગૌતમ બારૈયા, વિજય દેવશી મકવાણા, જીવણ મકવાણા, મેહુલ સોલંકી અને બે અજાણ્યા શખ્સોના નામ આપતાં થોરાળા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, આજે તેણે તેના પરિચીત રાજુ શિયાતરને મારૂ મકાન નવા થોરાળાના ક્રિષ્નાપાર્ક શેરી નં.2માં છે તે વેચવાનું છે, તેમ વાત કહેતા બંને લીમડા ચોકમાં એકઠા થયા હતા. જયાંથી બને તેના સ્કુટર પર મકાન જોવા જવા નવા થોરાળાની સર્વોદય સોસાયટી થઈને રવાના થયા હતા. ત્યારે રસ્તામાં રોહિત રાઠોડ અને હરેસ ખીમસુરીયા તેને જોઈ જતા તેમણે તેનું બાઈક પાછુ વાળી પીછો શરૂ કર્યો હતો. જેના કારણે ડરી ગયેલા દિનેશે તેનુ સ્કુટર ભગાડી કુબલીયાપરા ત્યાંથી ચુનારાવાડ ચોક થઈને અમુલ સર્કલ પાસે પહોંચતા ત્યાં દિલીપ ચૌહાણ અને અજય જાદવે તેનું બાઈક દિનેશના સ્કુટર સાથે અથડાવી પછાડી દીધો હતો. બાદમાં દિલીપે તેનો કાંઠલો પકડી મારકૂટ કરી તને ના પાડી છે ને કે થોરાળામાં આવીશ તો તને મારી નાખીશ કહી છરીથી હુમલો કર્યો હતો. પરંતુ તેણે હાથ આડો રાખી દેતા હાથમાં છરકા જેવી ઈજા થઈ હતી.

બાદમાં અજય અને સંજય તેને ગાળો ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ સમયે આરોપી નીખીલ અને તેની સાથે બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચતા તેણે પણ ગાળો દઈ મારકૂટ કરી હતી. જેના કારણે દિનેશ સાથે રહેલા રાજુ શીયાતર ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ નીખીલે તેના સ્કુટર લઈ લીધુ હતુ અને દિલીપે તેના પડખે છરી રાખી અન્ય એક સ્કુટરમાં બેસાડી પાછળ દિલીપ બેસી ગયા બાદ અજાણ્યા શખ્સ સ્કુટર ચાલુ કરતા તેણે બુમાબુમ શરૂ કરી હતી. થોડેક દુર એક પેટ્રોલ પંપ પાસે તેને નીચે ઉતારી દીધો હતો. જયાં પણ દિલીપ, દેવશી, ધર્મેશ, ગૌતમ, નીખીલ, અજય જાદવ, અજય, વિજય મકવાણાએ એકઠા થઈ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.

બાદમાં દિલીપે ત્યાં પડેલી રિક્ષાના ચાલકને ધમકાવીને બળજબરી કરી હું કહું ત્યાં રિક્ષા લઈ લે કહી તેને ટીંગાટોળી કરી ઢસડીને રિક્ષામાં પરાણે બેસાડી નવા થોરાળામાં આરોપી જીવણ મકવાણાના ઘર પાસે લઈ ગયા હતા. જયા તેને નીચે ઉતારી નીખીલ ઉર્ફે નાથો, દિલીપ, અજય જાદવ, રોહિત, જીવણ મકવાણા, હરેશ અને મેહુલે ભેગા મળી ગાળો દઈ મારકૂટ કરી હતી. આ સમયે જીવણ મકવાણાએ તેને છરી બતાવી તારા ભાઈએ મારા છોકરાને મારી નાખ્યો છે એટલે આજે તને મારી જ નાખવો છે કહી માર માર્યો હતો. અને આના ખીસ્સામાં દારૂની પોટલી નાખી પોલીસને ફોન કરી દો અને પકડાવી નાખો તેમ કહ્યા બાદ થોડીવાર પછી પોલીસ આવી જતા દિનેશને તેને સોપી આ વ્યકિત અમારા ઘર પાસે આવી દારૂ પીને ઘરની મહિલાઓની છેડતી કરે છે તેમ કહેતા પોલીસ તેને પોલીસ મથકે લાવી હતી.

આરોપી જીવણ મકવાણાના પુત્ર રઘાનું નવેક માસ પહેલા મર્ડર થયું હતું. જેમાં આરોપી તરીકે દિનેશનો સગો નાનો ભાઈ ગોપાલ ગોહેલ, તેના કાકા જગદીશ ગોહેલ, કાકાનો દિકરો ધર્મેશ ગોહેલ, હિતેશ ગોહેલ આરોપી તરીકે હોય તેનો ખાર રાખી આરોપીઓએ કૃત્ય કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ ઝણકાંતની રાહબરીમાં પીએસઆઈ જી.એસ.ગઢવી અને ટીમે દિલીપ પ્રેમજી ચૌહાણ, ધર્મેશ ભાવેશ સોલંકી, ગૌતમ ધરમ બારૈયા અને વિજય દેવશી મકવાણાની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી હતી.