રિપોર્ટ@ગાંધીનગર: 30 વર્ષીય મહિલા પોલીસને અચાનક હાર્ટ એટેકનાં હુમલાથી અકાળે અવસાન થયું

તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાર્ટએટેકથી મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  હાર્ટએટેકથી મોતની ઘટના સામે આવતી હોય છે. ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશરે 30 વર્ષીય કોન્સ્ટેબલનું હાર્ટ એટેકનાં હુમલાથી અકાળે અવસાન થતાં પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેકટર - 28 બગીચા પાસેના ગેરેજમાં એક્ટિવા રીપેરીંગ કરાવતી વેળાએ ખાટલામાં બેઠેલા કોન્સ્ટેબલને અચાનક હ્દય રોગનો હૂમલો આવતાં તેઓ ઢળી પડ્યા હતા. જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે સિવિલ પહોંચી જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

ગાંધીનગરનાં સેકટર - 28 પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા મૂળ હાલીસાનાં વતની જીતેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ(ચૌધરી) નું હાર્ટ એટેકનાં હુમલામાં અકાળે અવસાન થયું છે. આજે બપોરના સમયે એક્ટિવા લઈને જીતેન્દ્રભાઈ તેમના સસરા કિશોરભાઈને આંખના દવાખાને બતાવવા માટે નિકળ્યા હતા.

એ વખતે સેકટર - 28 બગીચા પાસેથી પસાર થતી વેળાએ એક્ટિવામાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. આથી નજીકમાં આવેલ છોટુ ગેરેજમાં એક્ટિવા રીપેરીંગ કરાવવા માટે લઈ ગયા હતા. આ દરમ્યાન જીતેન્દ્રભાઈ તેમના સસરા સાથે ખાટલામાં બેઠા હતા. અને થોડીક વારમાં જ જીતેન્દ્રભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપાડવાની સાથે ખેંચ જેવું આવ્યું હતું.

હજી સસરા કિશોરભાઈ કઈ સમજે એ પહેલાં જ જીતેન્દ્રભાઈ ખાટલામાં ઢળી પડ્યા હતા. બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જીતેન્દ્રભાઈએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ સેકટર - 21 પોલીસે સિવિલ પહોંચીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.