રિપોર્ટ@ગાંધીનગર: અમિત શાહે તેમના વતનને 267 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના માદરે વતન માણસા અને ગાંધીનગરમાં રૂ. 629 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી. માણસામાં 267 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ સાથે તેમણે જણાવ્યું હતું કે, 2036ના ઓલિમ્પિકના યજમાન બનવા માટે અમદાવાદ-ગાંધીનગર વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ હબ તરીકે તૈયાર થઈ રહ્યા છે. બીજી તરફ, ગાંધીનગરમાં 362 કરોડના ખર્ચે દેશની પ્રથમ હાઈ-ટેક BSL-4 લેબનો શિલાન્યાસ કરી ભારતે સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મોટું કદમ માંડ્યું છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે ગુજરાતની પ્રથમ અને દેશની અત્યંત મહત્ત્વની "બાયો સેફ્ટી લેવલ-4 લેબનો શિલાન્યાસ કર્યો હતો. 362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ લેબ જીવલેણ વાયરસો સામે લડવા માટે ભારતનું સુરક્ષા કવચ પૂરવાર થશે. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને તેને 'નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી' તરીકે નિયુક્ત કરતો પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સુવિધાઓથી સજ્જ નવી હાઈ-ટેક લેબ દેશ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે અને સ્વાસ્થ્ય સુરક્ષાના તમામ પડકારોને ઝીલવા સક્ષમ બનશે. આ લેબ દેશની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો-સેફ્ટી માટે નવી દિશા આપશે. આવનારા સમયમાં તે ભારત માટે સ્વાસ્થ્યનું સુરક્ષિત કવચ બનશે. રાષ્ટ્રના વિકાસમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી એક મજબૂત આધાર બની રહી છે અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે.
હાલ ઘાતક અને સંક્રમિત વાયરસનું જોખમ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ લેબનું નિર્માણ અત્યંત આવશ્યક બન્યું છે. પશુઓમાંથી માનવમાં ફેલાતી અનેક નવી બીમારીઓને ધ્યાનમાં રાખીને માનવ અને પશુ બંનેની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ લેબ મહત્વની ભૂમિકા ભજવશે. દેશ હવે સ્વાસ્થ્ય અને સંશોધન ક્ષેત્રે વિદેશ પર નિર્ભર ન રહે તે માટે આ લેબની સ્થાપના કરવામાં આવી રહી છે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂતી આપશે.
અમિત શાહે જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય કક્ષાની લેબથી પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટેના 'વન હેલ્થ મિશન'ને બળ મળશે. તાજેતરમાં ગુજરાતે ચાંદીપુરા અને લમ્પી સ્કીન જેવા રોગોનો સામનો કર્યો છે, ત્યારે આવી રિસર્ચ ફેસિલિટી અનિવાર્ય હતી. હવે ભારતીય વૈજ્ઞાનિકોએ સેમ્પલ ટેસ્ટિંગ માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે, જે 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં મોટું કદમ છે. તેમણે ઉમેર્યું કે ભારતની બાયો-ઈકોનોમી છેલ્લા 11 વર્ષમાં 10 બિલિયન ડોલરથી વધીને 166 બિલિયન ડોલરે પહોંચી છે.
માણસાના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકતા કહ્યું કે, અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ 2029માં આંતરરાષ્ટ્રીય સ્તરની પોલીસ અને ફાયર ગેમ્સ અને 2030માં 117 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ આવશે. ભારત સરકાર વર્ષ 2036નું ઓલમ્પિક અમદાવાદમાં યોજાય તે માટે ગંભીરતાથી પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત જ સમગ્ર ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ તૈયાર કરાઈ રહ્યું છે.

