રિપોર્ટ@ગાંધીનગર: સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ

 નોકરી આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
 
રિપોર્ટ@ગાંધીનગર: સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીના કેસ ખુબજ વધી ગયા છે. ગુનેગારો નવા-નવા પેતરા અજમાવીને ભોળા લોકોની સાથે છેતરપિંડી  આચરતા હોય છે. સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો છે. ગાંધીનગર એલસીબીને આ શખ્સને પકડવામાં સફળતા મળી છે. મહત્વનું છે કે ગાંધીનગરથી સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર ચાલે છે અને ત્યાં સરકારના વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરતી સંસ્થાઓ પણ આવેલી છે. જેથી કોઈ પણ રીતે લોકોને પ્રલોભન આપી સરકારી નોકરી અપાવવાના બહાના હેઠળની લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

ત્યારે વર્ષ 2020થી 2022ના સમયગાળા દરમિયાન આવો જ એક બનાવ સામે આવ્યો હતો, જેમાં નવા સચિવાલયમાં કોપીયર્સ મશીનના કોન્ટ્રાક્ટ પર કામ કરતા શૈલેષ ભીખા ઠાકોરે અનેક લોકોને નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા. જોકે પોલીસને સમગ્ર મામલાનો ખ્યાલ આવતા શૈલેષ ઠાકોર દ્વારા કેટલા લોકોને આ પ્રમાણેની લાલચ આપી અને કેટલા રૂપિયા પડાવ્યા છે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શૈલેષ ઠાકોરે બે વર્ષ દરમિયાન 27 જેટલા લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી તેમની પાસેથી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે. પોલીસે શૈલેષ ઠાકોર વિશે જાણકારી મેળવતા સામે આવ્યું કે શૈલેષ ઠાકોરના પિતા ભીખા ઠાકોર પણ નવા સચિવાલયના pwd વિભાગમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ભીખા ઠાકોરનો પુત્ર શૈલેષ ઠાકોર વર્ષ 2017થી નવા સચિવાલયમાં ઓફિસ મશીનનો કોન્ટ્રાક્ટ મેળવે છે.

આ સમયગાળા દરમિયાન આ મશીનના રીપેરીંગ અંગે કોન્ટ્રાક્ટર કામ કરતા અમિત ભાવસાર નામના વ્યક્તિ સાથે શૈલેષ ઠાકોરને અવારનવાર સચિવાલયમાં મુલાકાત થતી હતી. આ સમયગાળા દરમિયાન શૈલેષ ઠાકોર જીપીએસસીના અધિકારીઓને ઓળખે છે અને અર્ધસરકારી વર્ગ ૩ની નોકરી પરીક્ષા વગર જ પટાવાળાથી લઈને ક્લાર્ક સુધીની અપાવી દેશે જેમાં દોઢ લાખથી છ લાખ સુધીનો ભાવ રાખવામાં આવ્યો છે. તેવી ખોટી વાતો અમિત ભાવસારને કરી હતી.

અમિત ભાવસારે પણ કોપીયર્સ મશીનના ધંધા સાથે સંકળાયેલા અન્ય 27 જેટલા લોકોને પરીક્ષા વગર નોકરી અપાવવાની લાલચ આપી તૈયાર કર્યા હતા અને તેમની પાસેથી 1.43 કરોડ જેટલી રકમ ઉઘરાવી શૈલેષ ઠાકોરને આપી હતી. જોકે થોડા સમય બાદ કોલ લેટર માટે શૈલેષ ઠાકોરને કહેવામાં આવતા તે અલગ અલગ બહાના બતાવતો હતો અને અમિત ભાવસાર પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનો ખ્યાલ આવતા તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસ ફરિયાદ બાદ શૈલેષ ઠાકોર ગાંધીનગર છોડી નાસી ગયો હતો. પોલીસે શૈલેષ ઠાકોરના સસરા અને માસીના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યો ન હતો. જે બાદ શૈલેશ ઠાકોર પોતે પોતાની પત્ની અને માતા સાથે છેલ્લા દોઢેક વર્ષથી ગાંધીનગર છોડી અન્ય જગ્યાએ જતો રહ્યો હતો. જે બાદ તે આજે ગાંધીનગર સેક્ટર 2માં રહેતા તેમના સસરાના ઘરે આવવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી શૈલેષ ઠાકોરની ધરપકડ કરી છે.

પોલીસે શૈલેષ ઠાકોરની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે પોતે ઊંચા શોખ ધરાવે છે અને શોખના ખર્ચા પૂરા કરવા પોતે નવા સચિવાલય ખાતે કોપીયર્સ મશીનનું કોન્ટ્રાક્ટનું કામ કરતા ત્યાં પોતે સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારીઓને ઓળખાણ ધરાવતો હોવાની વાતો કોપીયર્સ મશીન સાથે સંકળાયેલા અન્ય લોકોને કરી હતી અને સરકારી નોકરી મેળવવા માંગતા લોકોને લાલચ આપી પોતે પરીક્ષા વગર નોકરી અપાવી દેશે તેમ જણાવ્યું હતું અને તેના રૂપિયાથી પોતે પોતાના શોખ પુરા કરવા માંગતો હતો.