રિપોર્ટ@ગાંધીનગર: સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દબોચ્યો

સગીરાએ એક બાળકને જન્મ આપ્યો 
 
રિપોર્ટ@ગાંધીનગર: સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દબોચ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી,લુંટફાટ ,અપહરણ અને દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે.  સાંતેજમાં રહેતી અને મૂળ યુપીની સગીરાનુ બે વર્ષ પહેલા સાંતેજમાંથી અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સગીરા અને યુવક બંને ફરાર થઇ ગયા હતા. ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમને બાતમી મળતા આરોપીને મહિસાગરમાંથી પકડી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી રીમાંડ માંગવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે સોમવાર બપોર સુધીના રીમાંડ મંજુર કર્યા છે.

મળતી માહિતી મુજબ બે વર્ષ પહેલા સાંતેજ પોલીસ મથકમાં આરોપી હિતેષ ભેમાભાઇ ચૌહાણ (ઠાકોર) સામે અપહરણનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી આરોપી સગીરાને લઇ ફરાર થઇ ગયો હતો અને પોલીસના શોધવા છતા પકડાતો ન હતો. ત્યારે એન્ટી ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ એસ.એ.ડાભીની ટીમના રાકેશકુમારને બાતમી મળી હતી કે, સાંતેજમાં રહેતા સગીરાને બે વર્ષ પહેલા ભગાડી લઇ ગયેલો યુવક હિતેષ હાલમાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં રહે છે, તેની સાથે યુવતી પણ છે.

પોલીસની ટીમ બાતમી મુજબ બાકોર ગામમાં પહોંચી હતી અને આરોપીને પકડી લીધો હતો. તેની સાથે તે સમયની સગીરા અને હાલમાં ઉંમર વધતા પુખ્ત બની ગયેલી યુવતી પણ સાથે હતી. પોલીસે બંનેને પકડી લીધા હતા. જ્યારે યુવક હિતેષને પકડી તેને કોર્ટમાં રીમાંડ માટે રજૂ કરવામાં આવતા 3 દિવસના રીમાંડ મંજુર કર્યા હતા.

સાંતેજમાં મોટા ભાગે પરપ્રાંતિય લોકો રહે છે. ત્યારે યુપીના પરિવારની સગીરાનો પરિવાર અને યુવકના બહેન બનેવી એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. તે સમયે સગીરા સાથે આંખ મળી જતા લઇને જતો રહ્યો હતો. નાની ઉંમરમાં પ્રેમ થતા લઇને ભાગી ગયા પછી બંનેએ શરીર સબંધ પણ બાંધ્યો હતો. જેમાં લગ્ન કર્યા વિના જ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો છે. હાલમાં બાળક 11 મહિનાનુ છે અને તેનુ નામ આર્યન રાખવામાં આવ્યુ છે.