રિપોર્ટ@ગાંધીનગર: વિધાનસભાના આઠમાં સત્રનો આજે પાંચમો દિવસ, ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે આજ રોજ સવારે 9 વાગ્યે દિવસના કામકાજની યાદી જાહેર કરવામાં આવી છે. ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે, જેમાં ખેતી, પશુપાલન, ગૌસંવર્ધન, મરઘાં ઉછેર, સહકાર, ગ્રામ વિકાસ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મહત્વના વિભાગોના પ્રશ્નો લેવામાં આવશે.
ગૃહમાં જાહેર અગત્યની બાબતો પર મુખ્યમંત્રી દ્વારા નિવેદન રજૂ થવાનું છે. સાથે જ વિધાનસભાના મેજ પર વિવિધ અહેવાલો મૂકવામાં આવશે, જેમાં ગ્રામ પંચાયતોના એકીકૃત વાર્ષિક અહેવાલો, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના વાર્ષિક હિસાબો અને ઑડિટ રિપોર્ટનો સમાવેશ થાય છે.
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સંબંધિત નિયમોમાં થયેલા સુધારા અંગેનું વિવરણ પણ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે અધ્યક્ષ માહિતી આપશે.
આ ઉપરાંત રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા હાથ ધરાશે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર રાજકીય ચર્ચા થવાની શક્યતા છે. સત્રના આ દિવસે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાને કારણે ગૃહમાં રાજકીય ગરમાવો જોવા મળશે.

