રિપોર્ટ@ગાંધીનગર: યુવા પોલીસકર્મીએ ફાંસો ખાઈ આપધાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરી એકવાર ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશરે 28 વર્ષીય યુવા પોલીસકર્મી પર્વ વિનોદભારતી ગોસ્વામીએ એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ આલમ સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ માણસા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પારિવારિક વિખવાદ કે ગૃહ કંકાસ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે આપઘાતનું સાચું કારણ પોલીસની સઘન તપાસ બાદ જ બહાર આવશે.
છેલ્લા 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મી પર્વ ગોસ્વામી મૂળ મહેસાણાના વતની હતા. તેઓ ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં એક નાનો પુત્ર છે. ગઈકાલે રાત્રે પર્વભાઈના પત્ની કોઈ કામસર થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, આ જ ટૂંકા ગાળા દરમિયાન તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની જ્યારે પરત ઘરે ફર્યા ત્યારે પતિને આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠિન ડ્યુટી વચ્ચે કાયદાના રક્ષકો જ જે રીતે ડિપ્રેશન અને પારિવારિક વિખવાદનો ભોગ બની રહ્યા છે, તેણે ગૃહ વિભાગની ચિંતામાં મોટો વધારો કર્યો છે. વીઆઈપી ગણાતા ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા કેટલાક સમયમાં અડધો ડઝનથી વધુ સક્રિય પોલીસકર્મીઓ આપઘાત કરી ચૂક્યા છે. ભૂતકાળમાં ગાંધીનગર સચિવાલય સંકુલ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગૃહ વિભાગની કચેરીની બિલકુલ સામે જ એક PSI પોતાની જ કારની અંદર સરકારી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી.
તે જ રીતે, ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચાવડાએ પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ સિવાય ગાંધીનગર લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મીએ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો, જ્યારે સેક્ટર મથકે એસઆરપી ગ્રુપ 3ના જવાને પણ ક્વાર્ટર્સ નજીક જીવનલીલા સંકેલી લીધી હતી. પર્વ ગોસ્વામીના આપઘાતની આ ઘટનાએ ગાંધીનગર જિલ્લામાં અગાઉ બનેલા પોલીસ આત્મહત્યાના કિસ્સાઓની યાદ તાજી કરાવી દીધી છે.

