રીપોર્ટ@ગાંધીનગર: મંદિરોની દાનપેટી ઉઠાવી જનારી ચોર ગેંગ ઝડપાઈ,ચોરીનો ભેદ ઉકેલાયો

નાના મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ 
 
 રીપોર્ટ@ગાંધીનગર: મંદિરોની દાનપેટી ઉઠાવી જનારી ચોર ગેંગ ઝડપાઈ,ચોરીનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 દાનપેટીને ટાર્ગેટ કરતી ગેંગ ગાંધીનગર પોલીસે ઝડપી છે. સવારે રિક્ષામાં પેસેન્જર બેસાડી રસ્તામાં આવતા મંદિરોની રેકી કરતા અને રાત્રે એ જ રીક્ષા લઈને મંદિરોની દાન પેટીઓના તાળા તોડી ચોરી આચરતા હતા. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓના નાના-મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ કરી તેની દાન પેઢીના તાળા તોડી ચોરીઓ આચરી હોવાની માહિતી સામે આવી છે.

તાજેતરમાં જ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોનાં મંદિરોમાં નાની મોટી ચોરીઓ થવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી. ગાંધીનગર પોલીસ રાત્રીના સમયે કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી, કે બે રીઢા ચોર તેની રીક્ષા લઈને ચોરી કરવાના ઇરાદે કલોલ તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે ગાંધીનગર પોલીસે રિક્ષામાં આવી રહેલા બંને રીઢા ચોરને પકડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે રિક્ષા તપાસ કરતા તેમાંથી
ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા.

બંનેની પૂછપરછ કરતાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. પકડાયેલા બંને રીઢા ચોર અમિતકુમાર ઉર્ફે કેકે મકવાણા અને બાબુભાઈ નાયક હતા. આ બંને રીઢા ચોર સામાન્ય રીતે રીક્ષા ચલાવતા હતા. આખો દિવસ પેસેન્જર ભરી અલગ અલગ જગ્યાઓ પર ફેરા કરતા હતા તે દરમિયાન રસ્તામાં આવતા નાના મોટા મંદિરોની રેકી કરતા હતા અને બાદમાં તે જ રીક્ષા લઈને રાત્રિના સમયે મંદિરોની દાન પેટીના તાળા તોડી ચોરી કરતા હતા.

બંને ચોર રિક્ષામાં જ તાળા તોડવાના સાધનો પણ રાખતા હતા. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે અમિતકુમાર દ્વારા ફક્ત ગાંધીનગર જ નહીં પરંતુ સાબરકાંઠા, અમદાવાદ શહેર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં નાના મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ કરી તેમાંથી દાન પેટીનાં તાળા તોડી ચોરી કરી હતી. ગાંધીનગરના માણસામાં તાજેતરમાં નોંધાયેલી મંદિરમાં ચોરીની ફરિયાદમા પણ આ બંને આરોપીઓ સંઘવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા અન્ય પણ પાંચ જેટલી ચોરીઓના ભેદ ઉકેલાયા હતા. હાલ તો પોલીસે બંને ચોરોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ પણ મંદિરને ટાર્ગેટ કર્યું છે કે કેમ અથવા તો આ બંને ચોર સાથે અન્ય કોઈ વ્યક્તિ ચોરીના કેસોમાં સામેલ છે કે કેમ તેની પણ વધુ તપાસ હાથ ધરી છે.