રિપોર્ટ@ગુજરાત: 13 ગામોના ગામતળ વધારવા માટેનો જમીનનાં ઓર્ડરની સોંપણી કરાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
13 ગામોના ગામતળ વધારવા માટે જમીનનાં ઓડર્રની સોંપણી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તાલાલા ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા મામલતદાર કચેરી ખાતે 13 ગામોના ગામતળ વધારવા માટેનો જમીનનો હુકમ ઓર્ડર સરપંચ/વહીવટદારોને સોંપવામાં આવ્યો હતો. કલેક્ટર જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સારી ટીમ વર્કના કારણે ટૂંક સમયમાં વહીવટી તંત્રએ વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ લાવીને કામગીરી પૂર્ણ કરીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 13 ગામોના ગામતળ વધારા માટેના જમીનના હક્કો વન વિભાગ પાસેથી મેળવી અને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વધારાના ગામતળમાં વિકાસને લગતા કામો પણ હાથ ધરવામાં આવશે.
વધુમાં, તેમણે વધારાના ગામતળની મળેલી જમીનનો સદુપયોગ કરીને શૈક્ષણિક સહિતના તમામ ક્ષેત્રોએ આગળ વધીને દેશના વિકાસમાં સહભાગી બનવાની આશા વ્યક્ત કરી હતી. 13ગામોમાં વિકાસને લગતા કામો સરળતાથી હાથ ધરી શકાશે અને નાના માણસોને કોઈપણ મુશ્કરી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
તાલાલા તાલુકાના સુરવા, હડમતીયા, જાવંત્રી, વડાળા, બામણાસા, ધાવા, જશાપુર, વાડલા, મંડોરણા, માધવપુર જાંબુર, ચિત્રોડ, રમરેચી, હિરણવેલ ગામોને ગામતળની વધારાની જમીનનાં વનવિભાગ પાસેથી કબ્જો મેળવીને પંચાયત વિભાગને આપવામાં આવ્યાં છે. ગામોના વિકાસ માટેના કામો હાથ ધરી શકાશે.
આ તકે અધિક નિવાસિ કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.