રિપોર્ટ@ગુજરાત: 31મી ડિસેમ્બરની ઉજવણી અંગે પોલીસની ખાસ તૈયારી, જાણો વિગતે

5000નો પોલીસ બંદોબસ્ત
 
રિપોર્ટ@ગુજરાત: 31મી ડિસેમ્બરની ઉજવણી અંગે પોલીસની ખાસ તૈયારી, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક 

નવું વર્ષ ચાલુ થવામાં થોડોજ સમય બાકી રહ્યો છે. લોકો ધૂમધામથી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. 31મી ડિસેમ્બરની રાત્રિએ નવા વર્ષની ઉજવણીને લઇ લોકો વિવિધ જગ્યાએ આયોજિત પાર્ટીમાં ઉત્સાહપૂર્વક ઝુમી ઉઠશે. ડાન્સ પાર્ટીની સાથે સાથે લોકો ફટાકડા ફોડીને પણ ઉજવણી કરતા હોય છે ત્યારે મોટા ભાગના શહેરોમાં ફાર્મ હાઉસ અને લોકોના ઘરમાં કે હોટલ ગેસ્ટ હાઉસમાં ડીજે પાર્ટીની સાથે શરાબ પાર્ટીનું પણ આયોજન થતું હોવાથી રાજ્યભરની પોલીસ એક્ટિવ બની છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતાં કહ્યું હતું કે 31 ડિસેમ્બરની ઉજવણી માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ પહેલાં તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા તથા રેન્જ આઇજી સાથે બેઠક કરીને સુરક્ષા બાબતે સમીક્ષા કરવાની સાથે પ્રોહિબિશનના કેસ કરવા સૂચના અપાઇ હતી. ગુજરાતમાં આશરે 3000 બ્રેથ એનેલાઈઝરનો પોલીસ ઉપયોગ કરશે અને મહત્તમ પ્રોહિબિશન કેસ કરશે. જ્યારે 14 ડ્રગ્સ ટેસ્ટિંગ કિટથી એજન્સીઓનો સ્ટાફ તહેનાત રહેશે. ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ તમામ જંક્શનો પર તહેનાત રખાશે. 50થી વધુ ઈન્ટરસેપ્ટર વાનથી ઓવર સ્પીડ વાહનો પર વોચ રખાશે. કેટલાક આયોજનના સ્પોટ પર ચેકિંગ દરમિયાન સ્નિફર ડોગ સાથે રખાશે. જેમાં નાર્કોટિક્સ, બોમ્બ સાથેની ટ્રેનિંગ વાળા સ્નિફર ડોગ રહેશે.

અમદાવાદ શહેર પોલીસે 31મી ડિસેમ્બર પહેલાથી જ દારૂ મંગાવનાર, વેચનાર અને પીતા લોકો સામે લાલઆંખ કરી છે. શહેર પોલીસે તા.22થી 29 સુધી યોજેલી ડ્રાઇવમાં શહેરભરમાં અનેક પ્રોહિબિશનના કેસ કર્યા છે. પોલીસે આ ડ્રાઇવ દરમિયાન 450 પ્રોહિબિશનના કેસ કરીને કુલ 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અનેક બૂટેલગરો સામે કડકાઇથી પગલાં લીધા છે. જ્યારે ટ્રાફિક પોલીસે બ્રેથ એનલાઇઝર દ્વારા ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ કરનાર લોકોને ચેક કરીને આશરે 225 જેટલા કેસ કર્યા છે.

હોટલ-કાફે માલિકો સાથે બેઠક, સોશિયલ મીડિયાનું મોનિટરિંગ

રાજ્યભરની પોલીસે જ્યાં જ્યાં 31મીની પાર્ટીનું આયોજન થતું હોય તે હોટલ, ક્લબ કે કાફેના માલિકો અને મેનેજરો સાથે બેઠક કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કે અફવા ફેલાવનાર લોકો પર નજર રાખવા માટે પણ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરાશે.

છેડતીના બનાવ ડામવા શી ટીમ એલર્ટ, કંટ્રોલરૂમમાં વધુ સ્ટાફ રખાશે

31 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ કંટ્રોલ રૂમને વધુ મજબૂત કરાયા હોવાનું ડીજીપીએ જણાવ્યું છે. સાથે જ વધારાના કર્મચારીઓની જરૂર પડ્યે ફાળવણી કરવાની સાથે ખાસ અધિકારીની નિમણૂક કરાશે. યુવતીઓ માટે તમામ શી ટીમ એલર્ટ રહેશે અને સતત પેટ્રોલિંગ રાખીને છેડતી કે અન્ય પ્રકારના બનાવોને નાથવા કામગીરી કરશે. લોકોને અગવડતા ન પડે તે રીતે સ્ટ્રેટેજીક વાહન ચેકિંગ કરાશે. ત્યારે પોકેટ કોપની મદદથી અસામાજિક તત્ત્વો પર નજર રખાશે.

5000નો પોલીસ બંદોબસ્ત

  • અમદાવાદમાં સાંજથી જ પાંચ હજારથી વધુ પોલીસ રોડ પર રહેશે.
  • પીઆઇ, પીએસઆઇ ફિલ્ડમાં - એસીપી તથા ડીસીપી સુપરવિઝન રાખશે.
  • 31મીની રાત્રે રિવરફ્રન્ટ, સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ પર સ્થાનિક પોલીસની સાથે એજન્સીઓ પણ રહેશે.
  • અમદાવાદ પોલીસ 500થી વધુ બ્રેથ એનલાઇઝર સાથે ચેકિંગ કરશે.
  • રાત્રે રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી એટલે કે 35 મિનિટ જ ગ્રીન ફટાકડા ફોડી શકાશે.